તાપી જિલ્લાના વાલોડ સ્થિત કોપર સુગર મિલમાં ગરમ અને ઠંડા પાણીની ટાંકી અચાનક ધરાશાયી થઈ જવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં ધર્મેશ પટેલ અને અરુણ પટેલ નામના બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
ઘટનાની વિગત મુજબ, મિલમાં કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ગરમ-ઠંડા પાણીની વિશાળ ટાંકી ધડાકાભેર તૂટી પડી હતી. ટાંકીના કાટમાળ નીચે દબાયેલા કામદારોને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં બંનેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાના પગલે મિલ કેમ્પસમાં અફરાતફરી સાથે શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.
સ્થાનિક લોકોમાં આક્રોશ છે કારણ કે થોડા સમય પહેલા જ ટાંકીનું સમારકામ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જોકે, આ માહિતી સત્તાવાર રીતે પુષ્ટિ થયેલી નથી. ઘટનાને લઈને ઔદ્યોગિક સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠ્યા છે. વહીવટી તંત્ર અને શ્રમ વિભાગ તરફથી તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ થઈ રહી છે.