બાળકો ગામડું, તેની સંસ્કૃતિ અને પરંપરા વિશે જાણી શકે તે માટે ઉત્તર ગુજરાતના પાંચ ગામોએ સાથે મળીને 'હાલો ભેરૂ ગામડે' થીમ પર ત્રણ દિવસનો વિન્ટર કેમ્પ યોજ્યો હતો.
આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામે યોજાયો હતો. બાલીસણા, વાલમ, ભાન્ડુ, સન્ડેર અને મણુંદ — આ પાંચ ગામના લેઉવા પાટીદાર સમાજે સંયુક્ત રીતે આ કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પમાં અંદાજે 600થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.
કેમ્પમાં બાળકો માટે ખેતીમાં વપરાતા ઓજારો અને ઘરમાં રસોઈ બનાવવામાં વપરાતી સામગ્રીનું પ્રદર્શન યોજાયું હતું. સાથે જ લખોટી, ગિલોલ અને ગોફણ જેવી પરંપરાગત રમતોના સાધનો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.
અહીં આવતા બાળકોને કુટુંબની ભાવના અને જૂની રહેણી-કરણીની સમજ આપવામાં આવી હતી. ઉપરાંત ગામના ગુરુકુળથી લઈને રામાયણની શબરી સુધીની માહિતી પણ બાળકોને આપવામાં આવી હતી.
આ પ્રકારના કેમ્પ દ્વારા શહેરોમાં ઉછરતા બાળકોને ગ્રામજીવન અને પરંપરાગત જીવનશૈલી નજીકથી જોવાની અને સમજવાની તક મળે છે.