સત્ય. સાહસ. સંકલ્પ.

વૈષ્ણવી શર્માની પાંચ વિકેટની ઝલક, ઝિમ્બાબ્વે 131 રનમાં ઢેર

વૈષ્ણવી શર્માની પાંચ વિકેટની ઝલક, ઝિમ્બાબ્વે 131 રનમાં ઢેર

વડોદરાના બીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 20 વર્ષીય ડાબા હાથની સ્પિનર વૈષ્ણવી શર્માએ શાનદાર બોલિંગ કરી હતી. તેમણે 10 ઓવરમાં માત્ર 39 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે તેમણે ઝિમ્બાબ્વેની અડધી ટીમને પોવેલિયન ભેગી કરી હતી. આ તેમની કારકિર્દીની પહેલી પાંચ વિકેટની સિદ્ધિ છે.

વૈષ્ણવીની સચોટ લાઇન અને લેન્થ સામે ઝિમ્બાબ્વેની બેટિંગ ટકી શકી નહોતી. તેમણે 16મી ઓવરમાં મુબાચિકવાને સ્ટમ્પ આઉટ કર્યા હતા. 28મી ઓવરમાં ધુરુરુ અને 30મી ઓવરમાં માવુંગાને આઉટ કર્યા હતા. 34મી ઓવરમાં ગ્વાનઝુરાને આઉટ કરીને તેમણે પાંચ વિકેટ પૂરી કરી હતી. આ પહેલા બિલવ્ડ બીઝાને હરમનપ્રીત કૌરના હાથે કેચ આઉટ કર્યા હતા.

વૈષ્ણવીની ધારદાર બોલિંગને કારણે ઝિમ્બાબ્વે મહિલા ટીમ 39.5 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા ઝિમ્બાબ્વે સામેની પાછલી મેચમાં પણ વૈષ્ણવીએ ચાર વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ પહેલેથી જ શ્રેણીમાં 2-0થી આગળ છે. પહેલી વનડે ભારતે 9 વિકેટથી જીતી હતી, જ્યારે બીજી વનડે 121 રનથી જીતી હતી. હવે ભારત પાસે શ્રેણીને ક્લીન સ્વીપ કરવાની ગોલ્ડન તક છે. આ પહેલા ભારતે ત્રણ મેચની T20 શ્રેણીનો પણ ક્લીન સ્વીપ કર્યો હતો.