સત્ય. સાહસ. સંકલ્પ.

20 વર્ષની વૈષ્ણવી શર્માની ચાર બોલમાં ચાર વિકેટ, ડબલ હેટ્રિકથી મધ્યપ્રદેશની જીત

20 વર્ષની વૈષ્ણવી શર્માની ચાર બોલમાં ચાર વિકેટ, ડબલ હેટ્રિકથી મધ્યપ્રદેશની જીત

સિનિયર મહિલા T20 ટ્રોફીની એલિટ શ્રેણીમાં મધ્યપ્રદેશની ટીમે આંધ્રપ્રદેશને 9 વિકેટે હરાવ્યું છે. આ જીતમાં ડાબોડી સ્પિનર વૈષ્ણવી શર્માની બોલિંગે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે આંધ્રપ્રદેશ સામે માત્ર ચાર ઓવરમાં છ વિકેટ લીધી હતી, જેમાં સતત ચાર બોલમાં ચાર વિકેટનો સમાવેશ થાય છે. આ સિદ્ધિને ડબલ હેટ્રિક તરીકે ઓળખવામાં આવે છે.

વૈષ્ણવીએ 20મી ઓવરમાં હેનરીટા પેરેરાને આઉટ કરીને શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે અંજલી સરવાણી, અખિલા પવાણી અને શબનમ શકીલને પેવેલિયન ભેગા કર્યા હતા. તેમની ઘાતક બોલિંગને કારણે આંધ્રપ્રદેશની ટીમ 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મધ્યપ્રદેશની ટીમે 15.1 ઓવરમાં એક વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. આ જીત સાથે મધ્યપ્રદેશની ટીમે ટુર્નામેન્ટમાં મજબૂત સ્થાન બનાવ્યું છે.

વૈષ્ણવી શર્મા મૂળ મધ્યપ્રદેશની રહેવાસી છે અને ભારતીય મહિલા ક્રિકેટમાં ઉભરતા ખેલાડી તરીકે ઓળખાય છે. તેમની આ અદ્ભુત બોલિંગે તેમને ચર્ચામાં લાવી દીધા છે.