IPLમાં તોફાની બેટિંગથી ચર્ચામાં આવેલા અને ભારત તરફથી સૌથી નાની વયે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનારા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય પર ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ છે.
ઈંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે કહ્યું છે કે સૂર્યવંશીની બેટિંગ ટેકનિક ટેસ્ટ ફોર્મેટ માટે યોગ્ય નથી, જ્યારે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે તેનો બચાવ કર્યો છે.
'બિયોન્ડ23 ક્રિકેટ પોડકાસ્ટ' પર વાત કરતાં પાનેસરે જણાવ્યું, 'મને નથી લાગતું કે સૂર્યવંશી ટેસ્ટ ક્રિકેટમાં સફળ થશે. હેરી બ્રૂક એકમાત્ર એવો ખેલાડી છે જે હાલ ટેસ્ટ અને T20 બંનેના ટોપ-10માં છે. મને નથી લાગતું કે સૂર્યવંશી પાસે ટેસ્ટ માટે જરૂરી ટેકનિક છે.'
જોકે, ક્લાર્કે આ વિચાર સાથે સહમતિ દર્શાવી નથી. તેમણે કહ્યું, 'એક ખેલાડી ત્રણેય ફોર્મેટમાં સારી રીતે રમી શકે છે. વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે આ સાબિત કરી બતાવ્યું છે. બંને શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર હોવાની સાથે શાનદાર T20 બેટ્સમેન પણ હતા. જો સૂર્યવંશી જેવી યુવા પ્રતિભા ટેસ્ટ ક્રિકેટમાં પોતાને ઢાળે તો તે જોવું રસપ્રદ રહેશે. પણ સવાલ એ પણ છે કે તે પોતે ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે કે નહીં.'
બિહારના આ યુવા ખેલાડીએ જુલાઈમાં ભારત માટે T20 ડેબ્યૂ કર્યું હતું. T20 કરિયરમાં તેણે 42.82ની સરેરાશ અને 216.32ના સ્ટ્રાઈક રેટ સાથે 1,670 રન બનાવ્યા છે. રેડ-બોલ ક્રિકેટમાં તેણે 11 મેચની 17 ઇનિંગ્સમાં 23.47ની સરેરાશથી 399 રન બનાવ્યા છે.
તાજેતરમાં બેંગલુરુમાં રમાયેલી દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન વતી રમતાં તેણે સેન્ટ્રલ ઝોન સામે 93 રનની મહત્વની ઇનિંગ રમી હતી. આ સાથે તે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી નાની વયે અર્ધસદી ફટકારનારો ખેલાડી બન્યો. તે ચેમ્પિયન બનેલી ઈસ્ટ ઝોન ટીમનો વાઈસ કેપ્ટન પણ હતો.
હવે વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમ સાથે જાપાન જઈ રહ્યો છે, જ્યાં તે 500થી વધુ સભ્યો ધરાવતા ભારતીય દળમાં સૌથી નાની ઉંમરનો એથ્લેટ હશે.