સત્ય. સાહસ. સંકલ્પ.

વૈભવ સૂર્યવંશીને રોકવા ન્યૂઝીલેન્ડની ખાસ રણનીતિ, સેન્ટનરનો ખુલાસો

વૈભવ સૂર્યવંશીને રોકવા ન્યૂઝીલેન્ડની ખાસ રણનીતિ, સેન્ટનરનો ખુલાસો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 શ્રેણીની પ્રથમ મેચ 22 ઓક્ટોબરે રમાવાની છે. આ મેચ પહેલાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 15 વર્ષીય ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને રોકવા માટે તેમની ટીમે વિશેષ યોજના તૈયાર કરી છે. વૈભવ ભારતીય ટીમની પ્લેઈંગ 11માં સ્થાન મેળવે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ તેની આક્રમક બેટિંગ માટે તૈયાર છે.

ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે વૈભવને પ્લેઈંગ 11માં સ્થાન મળવા માટે હજુ રાહ જોવી પડશે. અભિષેક શર્મા અને સંજુ સેમસન નિયમિત ઓપનર તરીકે સારું પ્રદર્શન કરી રહ્યા છે, તેથી વૈભવને તકો મર્યાદિત છે. છતાં, સેન્ટનરે કહ્યું કે, “વૈભવ સૂર્યવંશી વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં રમ્યો નહોતો, પરંતુ અમે IPLમાં તેની બેટિંગ જોઈ છે. તે કેટલો આક્રમક છે, તે અમે જાણીએ છીએ. જો તેને આ શ્રેણીમાં રમવાની તક મળશે, તો અમે તેના માટે રણનીતિ તૈયાર રાખી છે.”

આ ઉપરાંત, લગભગ ચાર વર્ષ બાદ ભારતીય T20 ટીમમાં પરત ફરેલા અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર વિશે પૂછવામાં આવતાં સેન્ટનરે જણાવ્યું કે, “ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિ ભુવનેશ્વરને અનુકૂળ આવશે. જો વિકેટ પરથી થોડી મદદ મળશે, તો તે તેનો લાભ લઈ શકે છે. ભારતની સપાટ પિચો પર પણ તેણે સ્વિંગ કરાવ્યું છે, તેથી અહીં તેનો સામનો કરવો ન્યૂઝીલેન્ડ માટે પડકારરૂપ રહેશે.”

શ્રેણીમાં બોલરોનું વર્ચસ્વ રહેવાની શક્યતા વિશે સેન્ટનરે કહ્યું કે, “પ્રથમ મેચમાં આવું બની શકે છે, પરંતુ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. આ મોટા ભાગે હવામાન પર નિર્ભર છે. પ્રથમ અને બીજી મેચ એક જ પિચ પર રમાશે, તેથી પિચ થોડી સપાટ થઈ શકે છે.”