ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રવિવારે સવારે અચાનક મોટી ભીડ ઉમટી પડી. કારણ હતું દુલીપ ટ્રોફીની ફાઇનલમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની બેટિંગ. જેવી ખબર ફેલાઈ કે ઈસ્ટ ઝોનના સૂર્યવંશી બેટિંગ કરી રહ્યા છે, 12 હજારથી વધુ દર્શકો સ્ટેડિયમ પહોંચી ગયા.
આટલી ભીડ જોઈને તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનને ત્રણ વધારાના સ્ટેન્ડ ખોલવા પડ્યા. સામાન્ય રીતે ડોમેસ્ટિક મેચમાં આટલી ભીડ જોવા મળતી નથી. ફાઇનલ મુકાબલો સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોન વચ્ચે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે.
વૈભવ સૂર્યવંશીએ 37 બોલમાં 44 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. તેણે મોહમ્મદ સિરાજના બોલ પર મિડ-ઓફ ઉપરથી છગ્ગો ફટકાર્યો હતો. 93 મિનિટ બેટિંગ કર્યા બાદ તે સાઉથ ઝોનના ચામા મિલિંદનો શિકાર બન્યો. તે આઉટ થતાં જ સી લોઅર સ્ટેન્ડથી દર્શકો નીકળવા લાગ્યા અને ધીમે ધીમે લગભગ આખું સ્ટેડિયમ ખાલી થઈ ગયું.
ખાસ વાત એ હતી કે વૈભવ સાઉથ ઝોન સામે રમી રહ્યો હતો, છતાં સાઉથના દર્શકો તેને સપોર્ટ કરવા પહોંચી ગયા હતા. પૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે પણ વૈભવની પ્રશંસા કરતાં કહ્યું કે તેમાં વર્લ્ડ ક્રિકેટનું મોટું નામ બનવાની ક્ષમતા છે. શ્રીકાંતે કહ્યું, 'વૈભવ લોકોને ઘરેલું ક્રિકેટ જોવા માટે પ્રેરિત કરી રહ્યો છે. તેના કારણે મારી પત્ની પણ દુલીપ ટ્રોફી જોઈ રહી છે.' તેમણે ઉમેર્યું કે સૂર્યવંશી ટેસ્ટ ક્રિકેટના ખોવાયેલા વૈભવને પાછો લાવી શકે છે.
વૈભવની અસર માત્ર સ્ટેડિયમ સુધી મર્યાદિત નથી. શ્રીલંકામાં રમાયેલી ઇન્ડિયા-એ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ત્રિકોણીય સિરીઝનું પણ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, જે સામાન્ય રીતે ટેલિકાસ્ટ વિના રમાય છે. આ ઉપરાંત, આઈપીએલ 2026માં વૈભવની નંબર-3 જર્સી સૌથી વધુ વેચાઈ હતી, જેણે ધોની, રોહિત અને કોહલી જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા હતા. તેણે આઈપીએલમાં 776 રન બનાવીને ઓરેન્જ કેપ સહિત અનેક એવોર્ડ જીત્યા હતા.