સત્ય. સાહસ. સંકલ્પ.

વૈભવ સૂર્યવંશી ફક્ત એક મેચમાં બિહારની કેપ્ટનશીપ કરશે, જાણો કારણ

વૈભવ સૂર્યવંશી ફક્ત એક મેચમાં બિહારની કેપ્ટનશીપ કરશે, જાણો કારણ

ભારતીય ક્રિકેટના ઉભરતા ખેલાડી ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીને સૈયદ મુશ્તાક અલી ટી-૨૦ ટ્રોફી માટે બિહાર ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે, તે ફક્ત એક જ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે. બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા જાહેર કરાયેલી ટીમમાં વૈભવને કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો છે, પરંતુ તે ટુર્નામેન્ટની પહેલી મેચ બાદ ટીમ સાથે રહેશે નહીં.

કારણ કે વૈભવને રાઇઝિંગ સ્ટાર્સ ઇમર્જિંગ એશિયા કપ માટે ભારત A ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, જે ૧૯ નવેમ્બરથી કતારના દોહામાં શરૂ થશે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૧૪ નવેમ્બરથી શરૂ થશે, તેથી વૈભવ માત્ર પ્રથમ મેચ જ રમી શકશે અને ત્યારબાદ ભારત A ટીમ સાથે જોડાશે.

BCAના મુખ્ય પસંદગીકાર હરવિંદર સિંહે જણાવ્યું કે વૈભવ પ્રથમ મેચમાં કેપ્ટનશીપ કરવા તૈયાર હતો અને તેની ઉપલબ્ધતા ફક્ત પ્રથમ મેચ સુધી જ હતી. તેથી તેને કેપ્ટન બનાવાયો. વૈભવના જવા પછી ઉપ-કેપ્ટન સૂરજ કશ્યપ ટીમની જવાબદારી સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર છે જ્યારે વૈભવને કોઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલાં દુલીપ ટ્રોફીમાં તેને પૂર્વ ઝોનનો ઉપ-કેપ્ટન બનાવાયો હતો, જે ચર્ચાનો વિષય બન્યો હતો.