2026 એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો સૌથી યુવા ખેલાડી બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે સૌરભ ચૌધરીનો 16 વર્ષની ઉંમરે ગોલ્ડ જીતવાનો રેકોર્ડ તોડ્યો છે.
3 ઓક્ટોબરે ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે વખતે વૈભવની ઉંમર 15 વર્ષ અને 190 દિવસ હતી. આ સાથે તે એશિયન ગેમ્સના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો સૌથી નાની વયનો ખેલાડી બન્યો છે. અગાઉ આ રેકોર્ડ શૂટર સૌરભ ચૌધરીના નામે હતો, જેમણે 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં 16 વર્ષની વયે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીત્યો હતો.
એશિયન ગેમ્સમાં કોઈપણ મેડલ જીતનારા સૌથી યુવા ભારતીયનો રેકોર્ડ સંજના ભાતુલાના નામે છે, જેમણે 2022 એશિયન ગેમ્સમાં 15 વર્ષ, 3 મહિના અને 11 દિવસની ઉંમરે સ્પીડ સ્કેટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહે પણ 15 વર્ષ, 6 મહિના અને 16 દિવસની વયે મહિલા સ્ક્વોશ ટીમ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ગોલ્ડ મેડલની બાબતમાં વૈભવ ભારતનો સૌથી યુવા ખેલાડી બન્યો છે.
ફાઇનલ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 211 રનનો સ્કોર ખડક્યો હતો. અભિષેક શર્માએ 61 રન અને તિલક વર્માએ 51 રનની આક્રમક ઇનિંગ રમી હતી. વૈભવ સૂર્યવંશી 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. ટાર્ગેટનો પીછો કરતી પાકિસ્તાન ટીમ તરફથી હસન નવાઝે 96 રનની લડાયક ઇનિંગ રમી, પણ ટીમ 19 રનથી હારી ગઈ અને પાકિસ્તાનને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.