ભારતે 2026ની એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
વૈભવ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે. તેણે 15 વર્ષ, 6 મહિના અને 10 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી છે.
આ પહેલાં સૌથી નાની ઉંમરે ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ શૂટર સૌરભ ચૌધરીના નામે હતો. સૌરભે 2018ની એશિયન ગેમ્સમાં 10 મીટર એર પિસ્તોલમાં 16 વર્ષની ઉંમરે ગોલ્ડ જીત્યો હતો. વૈભવે આ આઠ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
એશિયન ગેમ્સમાં ભારત તરફથી મેડલ જીતનાર સૌથી નાની ઉંમરના ખેલાડીનો રેકોર્ડ સ્પીડ સ્કેટર સંજના બાથુલા પાસે છે. સંજનાએ 15 વર્ષ, 3 મહિના અને 11 દિવસની ઉંમરે હાંગઝોઉ 2023માં મહિલાઓની 3000 મીટર સ્પીડ સ્કેટિંગ રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વૈભવ આ યાદીમાં બીજા ક્રમે આવે છે.
પાકિસ્તાન સામેની ફાઇનલમાં વૈભવ પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પણ તે તેમાં ખરો ઉતરી શક્યો નહીં. તેણે શરૂઆતમાં જ નવ બોલમાં 15 રન બનાવ્યા, પરંતુ ત્રીજી ઓવરમાં પાકિસ્તાની ઓલરાઉન્ડર સેમ અયુબે તેને આઉટ કર્યો.
ભારતીય ટીમે 20 ઓવરમાં 211 રનનો મોટો સ્કોર બનાવ્યો. 212 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 192 રન જ બનાવ્યા. આ રીતે ભારતે 19 રનથી મેચ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો. (ફોટો: PTI/X)