ભારતીય ક્રિકેટના યુવા સનસની વૈભવ સૂર્યવંશી આજકાલ મેદાન પર જ નહીં, સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે. તેણે જાપાનની રાજધાની ટોકિયોથી કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું, 'નોબિતાના શહેરથી રિપોર્ટિંગ.' આ પોસ્ટ ડોરેમોન કાર્ટૂનના સંદર્ભમાં હતી, જે ભારતમાં ખૂબ લોકપ્રિય છે. તસવીરોમાં ડોરેમોનની તસવીર પણ હતી. પોસ્ટ કરતાં જ ચાહકોમાં ઉત્સાહ ફેલાઈ ગયો અને તે ઝડપથી વાઇરલ થઈ ગઈ.
વૈભવે શેર કરેલી તસવીરોમાં અલગ-અલગ સ્લાઇડ હતી, જેમાં સૌથી છેલ્લે ડોરેમોનની તસવીર હતી અને તેના પર લખ્યું હતું, 'જો પ્લાન A ફેલ થાય તો યાદ રાખો... બીજા 25 બીજા વધ્યા છે...'. આ ફોટો તરત જ ચાહકોના ધ્યાને આવ્યો અને તેમણે અલગ-અલગ કોમેન્ટ કરવા લાગ્યા. કેટલાકનું માનવું છે કે આ વાત કટાક્ષરૂપે કહેવામાં આવી છે, કારણ કે અફઘાનિસ્તાન સામેની ત્રણેય મેચ અને હાલમાં જ જાપાન સામેની ફ્રેન્ડલી મેચમાં તેને રમાડવામાં આવ્યો નહોતો. આથી લોકોને લાગે છે કે તેણે કોચ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ છે. આ તેની પહેલી મલ્ટી-નેશન ટુર્નામેન્ટ છે. બુધવારે તેણે ટોકિયોથી પોતાની કેટલીક સુંદર તસવીરો શેર કરી. કેપ્શનમાં 'નોબિતાના શહેરથી રિપોર્ટિંગ' લખીને તેણે પોતાની ઉંમર અને બાળપણના શોખની યાદ અપાવી. ડોરેમોન સિરીઝ ટોકિયોના બેકગ્રાઉન્ડ પર આધારિત છે, જેમાં રોબોટિક બિલાડી ડોરેમોન નોબિતા નામના છોકરાની મદદ કરે છે. ભારતમાં આ કાર્ટૂનની લોકપ્રિયતાને જોતાં વૈભવનો આ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવ્યો.
વૈભવની પોસ્ટ પર અત્યાર સુધી 1.6 મિલિયનથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. ચાહકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે વૈભવ હજુ બાળક છે અને કાર્ટૂનનો શોખ જાળવી રાખ્યો છે. ઘણાએ કહ્યું કે મેદાન પર બોલરોની ધોલાઈ કરનાર વૈભવ બહાર ડોરેમોનનો ફેન છે. આ પોસ્ટ તેની ઉંમરની યાદ અપાવે છે. વૈભવ હજુ માત્ર 15 વર્ષનો છે, પરંતુ ક્રિકેટમાં ઘણા રેકોર્ડ તોડી ચૂક્યો છે. IPLમાં નાની ઉંમરે સદી ફટકારવા અને T20માં આક્રમક બેટિંગ માટે તે જાણીતો છે.
વૈભવે પહેલા પણ જણાવ્યું છે કે મેચ પહેલા કાર્ટૂન જોવું તેની આદત છે. IPL 2026 દરમિયાન તેણે કહ્યું હતું, 'મગજમાં કંઈ નથી ચાલતું. આજે પણ દરરોજ મેચ પહેલા અમે કાર્ટૂન જોઈએ છીએ. આદત છે. હજુ પણ જોઈએ છીએ, પરંતુ ફોકસ ગેમ પર પણ રહે છે.' આ રૂટીન તેને રિલેક્સ રાખવામાં મદદ કરે છે. ટોકિયોથી ડોરેમોનવાળી પોસ્ટે એ જ આદત ફરી ઉજાગર કરી દીધી.