સત્ય. સાહસ. સંકલ્પ.

શંકરસિંહ વાઘેલાના અનામત નિવેદનથી વિવાદ, સવર્ણ સમાજમાં રોષ

શંકરસિંહ વાઘેલાના અનામત નિવેદનથી વિવાદ, સવર્ણ સમાજમાં રોષ

ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાના અનામત અંગેના એક નિવેદનથી ભારે ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસમાં તેમની સંભવિત ઘરવાપસીની અટકળો વચ્ચે, તેઓ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે પુનઃ વન અધિકાર સત્યાગ્રહમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા.

સભાને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ અનામત મુદ્દે આકરા શબ્દો વાપર્યા. તેમણે કહ્યું કે દિલ્હીમાં બેઠેલા લોકો અનામતના દુશ્મનો છે. તેમણે દાવો કર્યો કે આદિવાસી અને અન્ય પછાત સમાજને કોઈ મહેરબાની કરીને અનામત આપવામાં નથી આવી, તેઓએ આખી જિંદગી સંઘર્ષ કર્યો છે.

ત્યારબાદ તેમણે વાણિયા, બ્રાહ્મણ અને પટેલ સમાજને ઉદ્દેશીને કહ્યું, “તમે પટેલ, વાણિયા, બ્રાહ્મણ કોઈપણ હોવ, જો તમે આ લોકોની અનામતના વિરોધી હોવ તો મેલુ ઉપાડવા માટે મહિને ૫૦ હજાર પગાર હું તમને આપું. તમે આ લોકોનું મેલુ ઉપાડો. આદિવાસી સમાજ જે હાલતમાં રહે છે તે હાલતમાં તમે રહો તો તમને ખબર પડે.”

આ નિવેદનથી સવર્ણ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમાજના અગ્રણીઓએ એક પછી એક આગળ આવીને બાપુને તેમના નિવેદન પરત લેવા અને માફી માગવાની માગ કરી છે. બ્રહ્મ સમાજના અગ્રણીએ આ નિવેદનને વર્ગ વિગ્રહ ઉત્પન્ન કરનારું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે લાઈમલાઈટમાં આવવા માટે શંકરસિંહે આવું નિવેદન કર્યું છે અને સમાજમાં એકબીજા પ્રત્યે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો શંકરસિંહ તેમના શબ્દો પરત નહીં લે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ આ નિવેદનને વાહિયાત, બાલિશ અને બુદ્ધિનું પ્રદર્શન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આવું બાલિશ નિવેદન કરનાર શંકરસિંહ વાઘેલા પોતે પણ સવર્ણ સમાજમાંથી આવે છે. તેમણે કહ્યું કે જો તેઓ મેલુ ઉપાડવાની કામગીરી કરે તો તેમને માગે એટલા રૂપિયા આપીશું. કોઈપણ સમાજને નીચા પાડીને અન્ય સમાજને ખુશ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ.

SPGના અધ્યક્ષ લાલજી પટેલે પણ આ નિવેદનનો ઉધડો લીધો છે. તેમણે કહ્યું કે વડીલને માન આપીએ છીએ, એનો અર્થ એ નથી કે ગમે તેવા નિવેદન કરો. આવા નિવેદનોથી બીજા સમાજને નીચા દેખાડવાનું કામ ન થવું જોઈએ. તેમણે કહ્યું કે અમે અનામત હટાવવાની કોઈ માગ કરી નથી. અમુક ગામડાઓમાં જવાથી ખબર પડે છે કે સવર્ણ સમાજની સ્થિતિ અત્યંત દારુણ છે અને તેમને ખરેખર અનામતની જરૂર છે.

પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું કે બાપુ છેલ્લા ઘણા સમયથી રાજકીય રીતે આઈસોલેટેડ છે, એટલે ચર્ચામાં રહેવા આવા નિવેદનો કરે છે. તેમણે જણાવ્યું કે પાટીદાર આંદોલન માત્ર નામ હતું, પરંતુ તેમાં બિન-અનામતમાં આવતા તમામ વર્ગોની વાત હતી. તેમાં માત્ર પાટીદારોની અનામતની માગ નહોતી અને કોઈની અનામત છીનવવાની પણ માગ નહોતી. દરેક સમાજને તેમનો હક માગવાનો અધિકાર છે.

બ્રહ્મસમાજના અગ્રણી યજ્ઞેશ દવેએ પણ નિવેદનને વખોડ્યું છે. તેમણે કહ્યું કે મેલુ ઉપાડવાની પ્રથા દેશમાં વર્ષોથી બંધ થઈ ગઈ છે. જો બાપુ ફરી એવી પ્રથા શરૂ કરવા ઈચ્છતા હોય તો આ શુભ કાર્યની શરૂઆત તેઓ ખુદ તેમના ઘરથી કરે. તેમણે કહ્યું કે બાપુ મારા ઘરનું મેલુ ઉપાડે તો હું દર મહિને તેમને ૫૦ હજાર નહીં, ૫ લાખ રૂપિયા આપીશ.

આમ, શંકરસિંહ વાઘેલાના મેલુ ઉપાડવાના નિવેદનથી ગુજરાતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. સવર્ણ સમાજના અગ્રણીઓએ આગળ આવીને તેમના નિવેદનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.