સત્ય. સાહસ. સંકલ્પ.

શંકરસિંહ વાઘેલાનું વિવાદિત નિવેદન: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું', માફી માંગવાનો ઇનકાર

શંકરસિંહ વાઘેલાનું વિવાદિત નિવેદન: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું', માફી માંગવાનો ઇનકાર

ગાંધીનગરમાં સામાજિક ક્રાંતિ અભિયાનના એક કાર્યક્રમમાં પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મેલું ઉપાડવાના નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદ પર ફરી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે, "મેં જે કીધું છે તે ડંકાની ચોટ પર કીધું છે અને હું તેના પર કાયમ છું."

વાઘેલાએ કહ્યું કે સરકારને આપણે મા-બાપ કહીએ છીએ, અને ઘરના નાના બાળકોનું ધ્યાન મા-બાપ રાખતા હોય છે. તેમણે દાવો કર્યો કે અનુસૂચિત જાતિના લોકોની હાલત આજે પણ સારી નથી. તેમણે ઉમેર્યું કે અનુસૂચિત જાતિના લોકો મૂછો રાખે તો પણ વિરોધ થાય છે અને વરઘોડો કાઢે તો પણ વિરોધ થાય છે.

ગુજરાતના રાજકારણમાં પોતાના સીધા અને સ્પષ્ટ નિવેદનો માટે જાણીતા શંકરસિંહ વાઘેલાએ સવર્ણ સમાજ અને મેલું ઉપાડવા અંગે કરેલી ટિપ્પણીઓ બાદ રાજકીય માહોલ ગરમાયો છે. સામાજિક ક્રાંતિ અભિયાનના કાર્યક્રમમાં ત્રણ મુખ્ય સવર્ણ સમાજોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ ચારેતરફથી તેમની ટીકા થઈ રહી છે. જોકે, વાઘેલાએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા પીછેહઠ કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે તેઓ કોઈ પણ સમાજના વિરોધી નથી, પરંતુ જિંદગીમાં ક્યારેય આ મુદ્દે માફી માંગવાનો સવાલ જ ઊભો થતો નથી.

મીડિયા સમક્ષ બાઈટ આપતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "મેં જે કીધું છે તે ડંકાની ચોટ ઉપર કીધું છે અને હું તેના પર કાયમ છું."