ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ સમાજ અંગે કરેલા નિવેદન પર વિવાદ વકર્યો છે. તેમણે પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમાજના લોકોને લઈને કરેલી ટિપ્પણી બાદ ચારેતરફ ટીકા થઈ રહી છે. જોકે, વાઘેલાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ સમાજ વિરોધી નથી, પરંતુ માફી માંગવાનો સવાલ જ ઊભો થતો નથી.
પોતાના નિવેદનનો બચાવ કરતા વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, "મારી ગઈકાલની વાતનું વિના કારણ મોટું બવંડર ઊભું કરવામાં આવ્યું છે. ભાજપના લોકો મારા નિવેદનનો સાચો અર્થ સમજ્યા વગર જ મારી પાછળ પડ્યા છે." તેમણે ઉમેર્યું, "મેં જે કહ્યું છે તે ડંકાની ચોટ પર કહ્યું છે. મારું નિવેદન અનામત વિરોધી સરકારના સંદર્ભમાં હતું, કારણ કે હાલની ભાજપ સરકારને અનામતવાળા લોકો ગમતા નથી. વર્ષો પહેલાં જે સમાજે મેલું ઉપાડવાનું અતિ કપરું કામ કર્યું છે, આજે મળતું અનામત એ ખરા અર્થમાં તેમનું વળતર છે."
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વાઘેલાએ ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, "જો પટેલ, વાણિયા કે બ્રાહ્મણ સમાજના લોકો મેલું ઉપાડે તો હું તેમને 50 હજાર રૂપિયા રોકડા આપીશ." તેમણે આદિવાસી સમાજની દયનીય સ્થિતિ અને સદીઓથી થયેલા અન્યાયનો ઉલ્લેખ કરીને અનામત વ્યવસ્થાને વ્યાજબી ઠેરવી હતી.
આ નિવેદનથી બ્રહ્મ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. પ્રદેશ બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું, "બાપુનું વ્યક્તિત્વ હંમેશાં વિવાદિત રહ્યું છે. દેશમાં મેલું ઉપાડવાની પ્રથા પર કાયદાકીય પ્રતિબંધ છે. શંકરસિંહે બીજાને શિખામણ આપવાને બદલે પોતાના ઘરથી શરૂઆત કરવી જોઈએ. જો તેઓ મારા ઘરનું મેલું ઉપાડે તો હું તેમને દર મહિને 5 લાખ રૂપિયા આપીશ."
બ્રહ્મ સમાજના અન્ય અગ્રણી હિરેન જોશીએ પણ નિવેદનની નિંદા કરી. તેમણે આક્ષેપ કર્યો કે વાઘેલા મીડિયાની લાઈમલાઈટમાં રહેવા માટે જ્ઞાતિઓ વચ્ચે વર્ગવિગ્રહ કરાવતાં નિવેદનો આપે છે. તેમણે ચેતવણી આપી કે જો વાઘેલા જાહેર માફી નહીં માંગે તો તમામ સમાજના અગ્રણીઓ ઉગ્ર આંદોલન છેડશે.