ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સવર્ણ સમાજ અને મેલું ઉપાડવા અંગે કરેલી ટિપ્પણી બાદ રાજકીય માહોલ ગરમાયો છે. 'સામાજિક ક્રાંતિ અભિયાન'ના એક કાર્યક્રમમાં તેમણે ત્રણ સવર્ણ સમાજોને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો પટેલ, વાણિયા કે બ્રાહ્મણ સમાજના લોકો મેલું ઉપાડે તો તેમને ₹50,000 રોકડ આપશે. આ નિવેદન બાદ ચારેતરફથી ટીકાઓ થઈ રહી છે.
જોકે, વાઘેલાએ પીછેહઠ કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે. મીડિયા સમક્ષ તેમણે કહ્યું, "મેં જે કીધું છે તે ડંકાની ચોટ ઉપર કીધું છે અને હું તેના પર કાયમ છું." તેમણે ઉમેર્યું કે તેઓ કોઈ પણ સમાજના વિરોધી નથી, પરંતુ માફી માંગવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
વાઘેલાએ સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તેમના નિવેદનનું વિના કારણ મોટું બવંડર ઊભું કરવામાં આવ્યું છે. ભાજપના નેતાઓ સાચો અર્થ સમજ્યા વગર તેમની પાછળ પડ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનું નિવેદન અનામત વિરોધી સરકારના સંદર્ભમાં હતું. હાલની ભાજપ સરકારને અનામતવાળા લોકો ગમતા નથી. વર્ષો પહેલાં જે સમાજે મેલું ઉપાડવાનું અતિ કપરું કામ કર્યું છે, તેમને આજે મળતું અનામત એ ખરા અર્થમાં તેમનું વળતર છે.
શંકરસિંહ વાઘેલાએ અનુસૂચિત જાતિ (દલિત) અને આદિવાસી સમાજની દયનીય સ્થિતિ અને સદીઓથી થયેલા સામાજિક અન્યાયનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકારને આપણે મા-બાપ કહીએ છીએ. જેમ ઘરના નાના બાળકોનું ધ્યાન મા-બાપ રાખે છે, તેમ સરકારે સમાજના નબળા અને પછાત વર્ગનું ધ્યાન રાખવું જોઈએ.
અનુસૂચિત જાતિના મોટાભાગના લોકોની આર્થિક અને સામાજિક હાલત આજે પણ સારી નથી. જો આ સમાજના યુવાનો મૂછો રાખે કે લગ્નમાં વરઘોડો કાઢે, તો કેટલાક વિસ્તારોમાં આજે પણ વિરોધ થાય છે. આદિવાસી સમુદાયનો વિષય અલગ છે. જે લોકોએ પેઢીઓથી જંગલ સાચવ્યું છે, તેમને પોતાના હકના અધિકાર મળતા નથી. જંગલની જમીન યા તો સરકાર લઈ ગઈ છે યા ફોરેસ્ટ વિભાગે લઈ લીધી છે.
નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા 'સામાજિક ક્રાંતિ અભિયાન' કાર્યક્રમમાં વાઘેલાએ આ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમનો હેતુ કોઈનું અપમાન કરવાનો નહીં, પરંતુ સદીઓથી શોષિત વર્ગ દ્વારા કરવામાં આવેલા અતિ કઠિન કામ પ્રત્યે સમાજનું ધ્યાન દોરવાનો અને અનામત વ્યવસ્થાને સંપૂર્ણપણે વ્યાજબી ઠેરવવાનો હતો.