ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ત્રણ સમાજને લઈને આપેલા એક નિવેદનથી રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે. અમિત ચાવડાની હાજરીમાં તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, "પટેલ, વાણિયા કે બ્રાહ્મણ સમાજના લોકો મેલું ઉપાડે તો હું તેમને 50 હજાર રૂપિયા આપીશ." તેમણે ઉમેર્યું કે આદિવાસીઓ જે સ્થિતિમાં રહે છે તે હાલતમાં રહે તો જ ખબર પડે. આદિવાસી સમાજ સાથે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે અને અનામત એ જ અન્યાયનું વળતર છે.
આ નિવેદન બાદ સમગ્ર બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદેશ બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેએ વાઘેલા પર પલટવાર કરતા કહ્યું, "બાપુનું વ્યક્તિત્વ જ વિવાદિત રહ્યું છે. ભારતમાં મેલું ઉપાડવાની પ્રથા પર પ્રતિબંધ છે. શંકરસિંહે બીજાને કહેવાને બદલે પોતાનાથી જ શરૂઆત કરવી જોઈએ. જો શંકરસિંહ વાઘેલા મારા ઘરનું મેલું ઉપાડે તો હું તેમને દર મહિને 5 લાખ રૂપિયા આપીશ."
બ્રહ્મ સમાજના અગ્રણી હિરેન જોશીએ પણ આ નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું કે લાઈમલાઈટમાં આવવા માટે જ વાઘેલા આવા વિવાદિત નિવેદનો આપી રહ્યા છે, જે તેમની માનસિકતા સ્પષ્ટ કરે છે. જો શંકરસિંહ વાઘેલા પોતાનું નિવેદન પરત ખેંચીને જાહેર માફી નહીં માગે, તો તમામ સમાજના અગ્રણીઓ એક થઈને નીતિ નક્કી કરશે અને આંદોલન છેડશે. બ્રહ્મ સમાજે કહ્યું કે શંકરસિંહે વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી વખતે શંકરસિંહ દેખાય છે, પછી ગાયબ થઈ જાય છે.
બીજી તરફ, શંકરસિંહના નિવેદન મુદ્દે ઉમિયાધામના પ્રમુખે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. ઉમિયાધામના પ્રમુખ બાબુ જમનાદાસ પટેલે કહ્યું કે, "આ મુદ્દે મારે કઈ બોલવું નથી."
શંકરસિંહ વાઘેલાના નિવેદન પર બ્રહ્મ સમાજ બાદ પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ નિવેદનને વખોડી કાઢ્યું છે અને કહ્યું કે સમાજો વચ્ચે વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કાયદાકીય લડત લડવાની ચીમકી પણ આપી છે.
આમ, શંકરસિંહ વાઘેલાના નિવેદનથી રાજકીય અને સામાજિક ગરમાવો વધ્યો છે, અને વિવિધ સમાજોમાંથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે.