ગાંધીનગર: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (બાપુ)એ પોતાના નિવાસસ્થાને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના હોદ્દેદારો સાથે બેઠક કરીને 2027ની વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં જોડાવાની વાતો પર હવે બહુ મોડું થઈ ગયું છે, કારણ કે કોંગ્રેસી નેતાઓમાં આ અંગે કોઈ ઉત્સાહ દેખાયો નથી.
બાપુએ જાહેરાત કરી કે તેમની પાર્ટી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં 'અલગ ભીલીસ્થાન'ના મુદ્દે ચૂંટણી લડશે અને તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશે. તેમણે કહ્યું, "કોંગ્રેસના મિત્રોના આગ્રહને કારણે અત્યાર સુધી કોઈ મોટા કાર્યક્રમો યોજ્યા ન હતા. પરંતુ હવે મારી કોઈ રાજકીય સ્વાર્થની ઈચ્છા નથી. મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. હવે અમે સંપૂર્ણ આક્રમકતાથી આગળ વધીશું."
આદિવાસીઓના હિત અને સર્વાંગી વિકાસના નામે તેમણે અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં પક્ષના મૂળિયાં મજબૂત કરવા અલગ ભીલીસ્થાનનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સિવાય તેમણે 2જી ઓક્ટોબરે ગાંધીનગર ખાતે એક વિશાળ પ્રજાકીય સંમેલન બોલાવવાની જાહેરાત પણ કરી, જેમાં પ્રજાકીય પ્રશ્નો અને વિવિધ જ્વલંત મુદ્દાઓને વાચા આપવામાં આવશે.
શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધી અંગે સવાલ ઉઠાવ્યા છે. સાણંદમાં દારૂની પાર્ટી પર પડેલી રેડના સંદર્ભમાં તેમણે કહ્યું કે દારૂબંધીનો કાયદો સંપૂર્ણપણે અમલી થાય તેવો વ્યવહારુ નથી, તેથી સરકારે આ નૌટંકી બંધ કરવી જોઈએ. તેમણે આગામી ચૂંટણીમાં દારૂબંધી હટાવવાની જાહેરાત કરનાર પાર્ટીને જ જનતાએ વોટ આપવો જોઈએ તેમ પણ જણાવ્યું. આ કાયદાને કારણે સારા પરિવારના યુવક-યુવતીઓ બદનામ થતા હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો.