સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા: યુસુફ પઠાણના પ્લોટ મુદ્દે કોંગ્રેસનો મનપા ખાતે વિરોધ, 'પ્લોટ ચોરી'નો આરોપ

વડોદરા: યુસુફ પઠાણના પ્લોટ મુદ્દે કોંગ્રેસનો મનપા ખાતે વિરોધ, 'પ્લોટ ચોરી'નો આરોપ

વડોદરા: પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પ્લોટ ફાળવવાના મુદ્દે શહેરમાં રાજકીય વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના કાર્યકરોએ વડોદરા મહાનગરપાલિકા (VMC)ની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મનપાની સ્થાયી સમિતિની બેઠક ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસીઓએ બેઠક રૂમની બહાર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસે યુસુફ પઠાણને 'પ્લોટ ચોર' ગણાવ્યા છે અને ભાજપ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ મૂક્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે, 'ભાજપે પહેલા નોટ ચોરી કરી, પછી વોટ ચોરી કરી અને હવે 15 કરોડનો પ્લોટ મફતમાં આપી પ્લોટ ચોરી કરી છે.' તેમણે આરોપ મૂક્યો કે, અગાઉ ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યોએ આ પ્લોટના બાંધકામનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે તે જ ભાજપ સરકારે આ પ્લોટ કાયદેસર ઠેરવીને ફાળવી દીધો છે.

આ પ્લોટ પર યુસુફ પઠાણનો બંગલો બન્યો હોવાના આક્ષેપો છે. અગાઉ આ મુદ્દે ભાજપના સ્થાનિક નેતાઓએ વિરોધ કર્યો હતો, જોકે પછી VMCએ સમાધાન કરીને પ્લોટની ફાળવણીને કાયદેસર ગણાવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે આ ફાળવણી નિયમ વિરુદ્ધ છે.

આ ઘટનાથી વડોદરાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસે મનપા ખાતે તેમનો વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.