સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા: યુસુફ પઠાણને પ્લોટ ભેટમાં આપવાની દરખાસ્ત સામે કોંગ્રેસનો વિરોધ, 'પ્લોટ ચોર ભાજપ'ના નારા

વડોદરા: યુસુફ પઠાણને પ્લોટ ભેટમાં આપવાની દરખાસ્ત સામે કોંગ્રેસનો વિરોધ, 'પ્લોટ ચોર ભાજપ'ના નારા

વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં ટીપી 22 હેઠળના પ્લોટ નંબર 90 પર પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણનો કબજો હતો. આ પ્લોટ અંગે હવે સરકારે 978 ચોરસ મીટરમાંથી 500 ચોરસ મીટર પ્લોટ ભેટમાં અને બાકીનો પ્લોટ 55 ટકા કિંમતે આપવાની દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત પર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાનો હતો, પરંતુ બેઠક શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડની બહાર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન 'વોટ ચોર ભાજપ', 'પ્લોટ ચોર ભાજપ' અને 'એક વોટની કિંમત 15 કરોડ' જેવા પોસ્ટર સાથે નારા લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે 'VMCના જમાઈ યુસુફ પઠાણ'ના નારા પણ લગાવ્યા હતા.

કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું કે, 978 ચોરસ મીટરનો સરકારી પ્લોટ ભાજપના નેતાઓએ યુસુફ પઠાણને આપી દીધો છે. તેમણે કહ્યું કે, સરકારી પ્લોટમાં વડોદરાનો નાગરિક કોઈ પ્રવૃત્તિ કરે તો તેનું ₹5,000થી ₹10,000 ભાડું વસૂલવામાં આવે છે. 14 વર્ષથી યુસુફ પઠાણનો આ પ્લોટ પર કબજો હતો. જો 14 વર્ષની ગણતરી કરવામાં આવે તો 8 કરોડ રૂપિયાથી વધુ રકમ તેમની પાસેથી લેવી પડે.

ઋત્વિજ જોષીએ વધુમાં કહ્યું કે, આ પ્લોટ 15 કરોડ રૂપિયાનો છે અને તે ફ્રીમાં આપી દેવામાં આવ્યો છે કારણ કે તેનો એક વોટ છે. તેમણે પૂછ્યું કે, શું આ મ્યુનિસિપલ કમિશનર કે ભાજપના નેતાઓના ખિસ્સાના રૂપિયા છે? તેમણે ભાજપના નેતાઓ પર પણ પ્રહાર કરતાં કહ્યું કે, જે કોર્પોરેટર પોતાને 'મામા' કહે છે તેમણે પહેલાં યુસુફ પઠાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવાની વાત કરી હતી, પરંતુ હવે તેઓ દેખાતા નથી.

કોંગ્રેસે ભાજપ પર આરોપ મૂક્યો કે, વડોદરામાં હિન્દુ ધર્મના કોઈ ક્રિકેટરને પ્લોટ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે, અંશુમન ગાયકવાડ, હાર્દિક પંડ્યા જેવા ક્રિકેટરોએ વડોદરાનું નામ રોશન કર્યું છે, પરંતુ તેમને પ્લોટ આપવામાં આવ્યો નથી. રાધા યાદવે એકેડેમી ખોલવા માટે પ્લોટ માગ્યો તો પણ ના આપ્યો. આ સાથે જ ખો-ખોના ખેલાડી સુધીર પરબને અર્જુન એવોર્ડ મળ્યો છે, તેમને પણ પ્લોટ આપવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012થી યુસુફ પઠાણે આ પ્લોટ પર દબાણ કર્યું હતું અને પ્લોટ માટે માંગણી કરી હતી. જોકે, વર્ષ 2014માં રાજ્ય સરકારે આ પ્લોટ ન આપી શકાય તેવો હુકમ દર્શાવ્યો હતો. હવે સરકારે આ પ્લોટ આપવાની દરખાસ્ત કરી છે. આ અંગે લડત આપી રહેલા શૈલેષ અમીને સવાલો ઊભા કર્યા છે કે, જો સરકારે પ્લોટ આપવો જ હતો તો જ્યારે યુસુફ પઠાણ ક્રિકેટ રમતા હતા ત્યારે કેમ ન આપ્યો? સરકાર યુસુફ પઠાણ પર આટલી ઓળઘોળ કેમ થઈ ગઈ છે?

આ મામલે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસે જણાવ્યું કે, હાલમાં સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે જેના આધારે મહાનગરપાલિકા કાર્યવાહી કરી રહી છે. પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ દરખાસ્તને પૂર્વ દૃષ્ટાંત તરીકે લઈ શકાશે નહીં, એટલે કે ભવિષ્યમાં આ કિસ્સાને ટાંકીને આવા નિર્ણય લઈ શકાશે નહીં.