વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના આણંદ સ્થિત બિલ્ડર પતિ, સાસુ, સસરા અને પતિના મિત્ર સામે અપ્રાકૃતિક સંબંધ બાંધવા, વીડિયો ઉતારવા અને માનસિક તથા શારીરિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં આ આખી ઘટનાની વિગતો આપી હતી.
મહિલાએ જણાવ્યું કે, તેના પ્રથમ લગ્ન વર્ષ 2011માં થયા હતા, પરંતુ સંબંધમાં મેળ ન આવતાં છૂટાછેડા થઈ ગયા હતા. વર્ષ 2017માં એક મિત્ર મારફતે તેની કાર્તિક પટેલ સાથે ઓળખાણ થઈ હતી. તે સમયે મહિલાના કેનેડાના PR આવી ગયા હોવાથી કાર્તિકના પરિવારજનોએ જલદી લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. વર્ષ 2019માં વેદ મંદિરમાં તેમના લગ્ન થયા હતા.
લગ્ન બાદ મહિલાએ કાર્તિકની કેનેડા PR ફાઇલ મૂકી, પણ ત્રણ વર્ષ સુધી કોઈ પ્રક્રિયા થઈ નહીં. સાસુ જોત્સનાબેન પટેલ, સસરા જશભાઈ ગોવિંદભાઈ પટેલ અને પતિ કાર્તિક પટેલ તરફથી સતત દબાણ થતું હતું. પછી કાર્તિકે સૂચન કર્યું કે બાળકની યોજના કરીએ, જેથી કેનેડામાં PR સરળતાથી મળી જાય. વર્ષ 2022માં કેનેડામાં તેમના દીકરાનો જન્મ થયો અને ત્યારબાદ કાર્તિકને પણ PR મળી ગયા.
કેનેડા પહોંચ્યાના એક-બે મહિનામાં જ કાર્તિકનું વર્તન બદલાઈ ગયું. તે કહેતા કે ‘મારે ત્યાં નોકરો છે, હું અહીં કામધંધો કરવા નથી આવ્યો.’ ઘરમાં ઝઘડા થતા અને તેમણે મારઝૂડ શરૂ કરી. મહિલાએ USમાં રહેતા સાસુ-સસરા અને નણંદને જાણ કરી, તો તેમણે પણ ભારત પાછા જવાની સલાહ આપી. વર્ષ 2023માં મહિલા પોતાના દીકરાને લઈને ભારત પાછી આવી, પરંતુ આણંદમાં સ્થિતિ વધુ બગડી. પિયરમાંથી સોનું લાવવા માટે દબાણ થતું હતું.
પીડિતાએ આરોપ લગાવ્યો કે કાર્તિકે તેના મિત્રોને ઘરે બોલાવવાનું શરૂ કર્યું. તેમાંથી એક મિત્ર રિપલ પટેલ તેના પર ખરાબ નજર રાખતો અને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતો. આ અંગે ફરિયાદ કરતાં કાર્તિકે ઉલટો તેના પર આક્ષેપ મૂક્યો. કાર્તિકે તેની સાથે જબરદસ્તી કરી અને અપ્રાકૃતિક સંબંધ બાંધી તેના વીડિયો પણ ઉતારી લીધા. પછી માફી માંગીને વીડિયો ડિલીટ કર્યાનું કહ્યું, પણ મહિલાને તેના પર વિશ્વાસ નથી.
મહિલાએ વધુમાં જણાવ્યું કે, પતિ કાર્તિક ‘હું બીમાર છું’ કહીને ગાયબ થઈ ગયો. તેની ગેરહાજરીમાં રિપલ પટેલ ઘરમાં ઘૂસીને ડ્રાઇવર અને વોચમેન દ્વારા દબાણ બનાવવા લાગ્યો. તે મહિલાને ઘરની બહાર નીકળવા ન દેતો અને પીધેલી હાલતમાં ફોન કરીને જબરદસ્તી કરવાનો પ્રયાસ કરતો. આ અસુરક્ષિત માહોલ અને પેનિક એટેકને કારણે મહિલા તેની એક ઓળખીતા રીટાબેનને ત્યાં રહેવા ગઈ. સાસુ-સસરા અમેરિકામાં હતા અને તેમણે પણ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. બાદમાં વોચમેન અને ડ્રાઇવર અનીશ પાસેથી ખબર પડી કે રિપલ પટેલ, ડ્રાઇવર અને નણંદ બધા પતિના સંપર્કમાં હતા.
આ સમગ્ર મામલે વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં સાસુ જોત્સનાબેન પટેલ, સસરા જશભાઈ ગોવિંદભાઈ પટેલ, આણંદના બિલ્ડર પતિ કાર્તિક પટેલ અને તેના મિત્ર રિપલ પટેલ સામે FIR નોંધાઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.