વડોદરા શહેરમાં 9 અને 10 ઓક્ટોબરના રોજ મોટા પાયે પાણી પુરવઠામાં વિક્ષેપ પડશે. આ બે દિવસીય પાણીકાપને કારણે અંદાજે 7.8 લાખ લોકોને સીધી અસર થશે.
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, પોઈચાની મુખ્ય ફીડર લાઇન સાથે જોડાણની કામગીરીને કારણે આ પાણીકાપ લાદવામાં આવ્યો છે. આ કામમાં ઊંડેરા પાણીની ટાંકી, કરોડિયા બુસ્ટર અને ગોરવા-અંકોડિયા સુધીની લાઇનના જોડાણનો સમાવેશ થાય છે.
આ કામગીરીના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગોરવા, સુભાનપુરા, વડીવાડી, અકોટા અને કલાલી ટાંકી વિસ્તારોમાં સાંજના પાણી વિતરણ પર અસર પડશે. સુભાનપુરા બુસ્ટર વિસ્તારના રહેવાસીઓને પણ સાંજે પાણી મળશે નહીં.
પાણીકાપનું સમયપત્રક આ મુજબ રહેશે: 9 ઓક્ટોબરે સાંજનું પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે. 10 ઓક્ટોબરે સવારનું પાણી વિતરણ બંધ રહેશે, પરંતુ તે દિવસે સાંજે પાણી પૂરું પાડવામાં આવશે.
નાગરિકોને આ દિવસો દરમિયાન પાણીનો ઉપયોગ સમજી વિચારીને અને કરકસરપૂર્વક કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી પાણીની સમસ્યા ઓછી થાય.