વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં ઘટ-વધ થઈ રહી છે. આજે લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેના કારણે મધ્યરાત્રિ અને વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો, જ્યારે બપોરે ગરમીનો અહેસાસ રહ્યો હતો.
ઠંડીની ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો વ્યાયામ અને યોગનો સહારો લે છે. વડોદરાના વિવિધ બગીચામાં વહેલી સવારે મોર્નિંગ વોકર્સની ભીડ જોવા મળી રહી છે. કમાટી બાગ ખાતે આખા વર્ષ દરમિયાન મોર્નિંગ વોકર્સ જોવા મળે છે, પરંતુ શિયાળાની ઋતુમાં તેમની સંખ્યામાં વધારો થાય છે. લોકો શારીરિક કસરત કરીને પોતાને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરે છે. બગીચામાં યોગની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક સુધી તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી આસપાસ રહેશે. ત્યારબાદ 19 નવેમ્બરથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની અને ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. દિવાળી પૂર્ણ થયા બાદ શિયાળાની શરૂઆત થવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે, જોકે હજુ સુધી શિયાળાનો પૂરતો ચમકારો શરૂ થયો નથી. આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી આગાહી છે.
ઠંડીની શરૂઆત થતાં જ શહેરમાં ગરમ વસ્ત્રોનું બજાર જામી ગયું છે. શહેરીજનોએ ગરમ વસ્ત્રો ખરીદવાની શરૂઆત કરી દીધી છે અને જેમની પાસે પહેલેથી વસ્ત્રો છે તેમણે તેને બહાર કાઢીને પહેરવાની તૈયારી શરૂ કરી છે. શિયાળામાં લોકો વસાણા પણ આરોગીને શરીરને સ્વસ્થ રાખે છે. શહેરના મુખ્ય માર્ગો પર સવારે ઓછી અવરજવર જોવા મળી હતી, જ્યારે મોર્નિંગ વોક, ચાની કીટલી અને ગરમ નાસ્તાની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. હવે લોકો ઠંડીનો ચમકારો વહેલી તકે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.