સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરાના તરસાલીમાં મકાન વેચાણને લઈ વિરોધ, અશાંતધારા લાગુ કરવાની માંગ

વડોદરાના તરસાલીમાં મકાન વેચાણને લઈ વિરોધ, અશાંતધારા લાગુ કરવાની માંગ

વડોદરાના તરસાલી વિસ્તારમાં સુદર્શન પાર્ક સોસાયટીમાં એક મકાન વિધર્મીને વેચાયાના આક્ષેપને લઈ સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. સ્થાનિકોનો દાવો છે કે, અશાંતધારા કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરીને આ મકાન વેચવામાં આવ્યું છે.

સુદર્શન પાર્ક સોસાયટીમાં કુલ 26 મકાનો આવેલા છે. તેમાંથી એક મકાન વિધર્મીને વેચાયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. મકાનના દસ્તાવેજો સબ રજિસ્ટ્રાર સમક્ષ રજિસ્ટર્ડ થયા હોવાની વિગતો પણ સામે આવી છે.

સ્થાનિકોનું કહેવું છે કે, તરસાલી, નુતનપાર્ક અને વિશાલનગર સહિતના વિસ્તારોમાં અશાંતધારાનો અમલ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. 500 મીટરના રેડિયસમાં અન્ય ધર્મના વ્યક્તિને મકાન વેચી શકાય નહીં, તેવા નિયમ હોવા છતાં મકાન વેચાયું છે. આ મકાન 65 લાખનું હતું, પરંતુ 1 કરોડ 11 લાખમાં વેચાયું હોવાનો આક્ષેપ છે, જે જંત્રી કરતાં ઘણો ઊંચો ભાવ છે.

સ્થાનિકોએ સંઘર્ષ સમિતિના બેનર હેઠળ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે મિલકતની તબદીલી રોકવા, સર્વે અને તપાસ કરાવવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. 40 જેટલી સોસાયટીના રહીશોની સહી સાથે કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે.

અશાંતધારા વિસ્તારમાં મિલકતની તબદીલી પહેલાં નિયમ મુજબ પરવાનગી લેવી જરૂરી છે. આ મામલે જરૂરી પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે અંગે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોની માંગ છે કે, સમગ્ર મામલે તપાસ થાય અને ત્યાં સુધી મિલકતની તબદીલી અટકાવવામાં આવે. તેમજ સમગ્ર તરસાલી વિસ્તારને અશાંતધારામાં સામેલ કરવામાં આવે.

સ્થાનિકોનો વધુ આક્ષેપ છે કે, જો આવા કિસ્સાઓમાં નિયમોનું પાલન નહીં થાય તો ભવિષ્યમાં વિસ્તારમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર અસર થઈ શકે છે. હાલ તંત્ર દ્વારા તપાસ બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.