સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનો પાંચમા માળેથી કૂદીને આપઘાત, કારણ અકબંધ

વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનો પાંચમા માળેથી કૂદીને આપઘાત, કારણ અકબંધ

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી અને માંજલપુરની અંબે સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીએ ગુરુવારે પોતાના રહેણાંક મકાનના પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થિની નિત્યક્રમ મુજબ સ્કૂલેથી ઘરે આવી હતી અને બિલ્ડિંગના પાંચમા માળે પહોંચી હતી. ત્યારબાદ તેણે ટેરેસ પરથી નીચે પડતું મૂક્યું. ધડાકાનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા.

બનાવની જાણ થતાં જ મકરપુરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યો છે. આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ વિદ્યાર્થિનીના પરિવારજનો, સ્કૂલના સહપાઠીઓ અને શિક્ષકોની પૂછપરછ કરી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટનાથી પરિવારમાં અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

આત્મહત્યા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે કે તમારા પરિચિતમાંથી કોઈ માનસિક તણાવ કે નકારાત્મક વિચારોથી ઘેરાયેલું હોય, તો સહાય મેળવવામાં સંકોચ ન કરો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી કાઉન્સેલિંગ મળી શકે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.