વડોદરાની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી SSG હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીને સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળતાં તેના પરિવારજનોએ દર્દીને ઊંચકીને લઈ જવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. એક જ મહિનામાં આ પ્રકારની ત્રીજી ઘટના સામે આવતાં હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
સૂત્રો અનુસાર, દર્દીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે, સ્ટ્રેચર ઉપલબ્ધ ન થતાં પરિવારજનો દર્દીને ઊંચકીને લઈ જવા મજબૂર બન્યા હતા. હોસ્પિટલમાં વારંવાર આવી સ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપો વચ્ચે દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી મુશ્કેલી અંગે પણ સવાલો ઉભા થયા છે.
આ મામલે SSG હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને જે કોઈ જવાબદાર જણાશે તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે સંબંધિત એજન્સીને અગાઉ પણ નોટિસ આપવામાં આવી છે અને આ મામલે પણ નોટિસ આપવામાં આવશે.
RMOના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પૂરતા સર્વન્ટ ઉપલબ્ધ રહે તે માટે સંબંધિત એજન્સીને વારંવાર સૂચના આપવામાં આવે છે. હોસ્પિટલમાં ઉપલબ્ધ સ્ટાફ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં આવી ઘટના બને છે ત્યારે જવાબદાર વ્યક્તિ કે એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવે છે.
એક મહિનામાં બે વખત આવી જ ઘટનાઓ બન્યા બાદ માત્ર નોટિસ આપવામાં આવી હોવા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓ મોટાભાગે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાંથી આવતા હોવાથી તાત્કાલિક સારવાર દરમિયાન મૂળભૂત સુવિધા ન મળવી ગંભીર બાબત હોવાનું પણ સામે આવ્યું છે.
હોસ્પિટલ તંત્રએ સ્ટાફની અછત હોવાની વાત સ્વીકારી છે. મહેકમ વધારવા માટે સરકાર અને સંબંધિત એજન્સીને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવાનું RMOએ જણાવ્યું છે. હવે સવાલ એ છે કે વારંવારની નોટિસ છતાં આવી ઘટનાઓ કેમ અટકતી નથી? દર્દીઓને સમયસર સ્ટ્રેચર કે વ્હીલચેર જેવી મૂળભૂત સુવિધા ક્યારે મળશે?