સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા: સોની પરિવારે આપઘાત પહેલાં ઓનલાઈન સ્ટૂલ ખરીદ્યા, હોસ્પિટલનું મહિને ₹2 લાખ ભાડું ચૂકવતો હતો

વડોદરા: સોની પરિવારે આપઘાત પહેલાં ઓનલાઈન સ્ટૂલ ખરીદ્યા, હોસ્પિટલનું મહિને ₹2 લાખ ભાડું ચૂકવતો હતો

વડોદરાના માંડવી વિસ્તારમાં દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ)માં રહેતા સોની પરિવારે 27 ઓક્ટોબરે સામૂહિક આપઘાત કર્યો હતો. 'ઝેપ્સ હેલ્થ કેર' કંપનીના માલિક આરતીબેન સોની, તેમના મોટા દીકરા નીલકંઠ અને દીકરી જેનીએ ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. આ ઘટનાની જાણ 28 ઓક્ટોબરની સાંજે થતાં શહેરમાં ચકચાર મચી ગઈ હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આપઘાત પહેલાં પરિવારે ઓનલાઈન સ્ટૂલ ખરીદ્યા હતા. જે મકાનમાં આપઘાત થયો તેના હોલમાં ચાર પંખા છે. દરવાજો ખોલતાં પહેલા બે પંખા આવે છે, જેમાં દરવાજા પાસેના પંખામાં દીકરી જેનીએ અને ડાબી બાજુના પંખામાં માતા આરતીબેને ગળે ફાંસો ખાધો હતો, જ્યારે દીકરો નીલકંઠ હોલમાં અંદરની બાજુએ અન્ય દરવાજા પાસેના પંખા પર લટકતો જોવા મળ્યો હતો.

સોની પરિવાર છેલ્લા એક વર્ષથી આર્થિક સંકડામણમાં હતો. આરતીબેન જે હોસ્પિટલ ચલાવતા હતા તેનું મહિનાનું ભાડું ₹2.04 લાખ હતું, જ્યારે ત્યાં માંડ અઠવાડિયે એક-બે દર્દી આવતા હતા. આ ઉપરાંત તેમણે હાલોલ રોડ પર કોટંબી ગામમાં એક કંપની ઉભી કરી હતી, જેનું મહિને ₹15,000 ભાડું હતું. પરિવાર જાતે ત્યાં દવા બનાવતો હતો. જે મકાનમાં તેઓ રહેતા હતા તે પણ વેચવા માટે કાઢ્યું હતું.

આ મકાનની ડીલ આરતીબેન અને શૈલેષ પટેલ વચ્ચે ₹1.10 કરોડમાં થઈ હતી. પહેલાં આ ડીલ ₹1.05 કરોડમાં થઈ હતી, પરંતુ શૈલેષ પટેલે એક વર્ષનો સમય માંગતા તે ₹1.10 કરોડમાં નક્કી થઈ હતી. શૈલેષ પટેલે આ મકાન પેટે ₹77 લાખ જેટલી રકમ ચૂકવી હતી, જેમાં ચેક દ્વારા ₹50 લાખથી વધુની રકમ આપી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય રકમ ચિઠ્ઠી દ્વારા આપવામાં આવી હતી.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મકાન પર હજુ ₹55 લાખની લોન બાકી છે, જ્યારે સુસાઈડ નોટમાં શૈલેષ પટેલ પાસેથી માત્ર ₹33 લાખ લેવાના બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. જોકે, આ મકાન વેચવાની વાત આરતીબેને પહેલાં વાસણ ખરીદીના વેપારીને કરી હતી. તે વેપારીએ શૈલેષ પટેલ સાથે વાત કરી હતી. શૈલેષ પટેલે આ મકાન ગોડાઉન બનાવવા માટે ખરીદ્યું હતું. તેમને હરણીમાં પ્રેશર કૂકરનું હોલસેલ કારખાનું છે અને તેઓ નડિયાદમાં રહે છે. આ મકાનની ડીલ આઠથી નવ મહિના અગાઉ થઈ હતી.

આ સમગ્ર મામલે ચોંકાવનારી બાબત એ છે કે, સોની પરિવારે જે મકાન શૈલેષ પટેલને વેચ્યું હતું તેના બે દસ્તાવેજ મળી આવ્યા છે. એક દસ્તાવેજ આરતીબેનના પતિના નામે છે, જ્યારે બીજો દસ્તાવેજ આરતીબેનના પિતાના નામનો હોવાનું સામે આવ્યું છે.