વડોદરામાં ઝેપ્સ હેલ્થ કેર કંપનીના માલિક 50 વર્ષીય આરતીબેન સોની, તેમના મોટા દીકરા નીલકંઠ અને દીકરી જેનીએ 27 ઓક્ટોબરના રોજ સામૂહિક આપઘાત કર્યો હતો. ત્રણેયએ પંખે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને લઈને વડોદરા પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘરમાંથી ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી આવી છે.
ACP જી.બી. બાંભણીયાએ જણાવ્યું કે, મૃતક પરિવારના ઘરમાંથી ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ત્રણેય સભ્યોના ગળે ફાંસો ખાવાથી મોત થયાની પુષ્ટિ થઈ છે. પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસ અને ડિપ્રેશનના કારણે પરિવારે આ પગલું ભર્યું હોવાનું જણાયું છે. સુસાઇડ નોટમાં એક પાનું પુત્રી જેનીએ અને બે પાના માતા આરતીબેને લખ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર પર 33થી 35 લાખ રૂપિયાની લોન બાકી હતી. આ લોન ચૂકવવા માટે પરિવારે પોતાનું મકાન વેચી દીધું હતું અને તેનો દસ્તાવેજ પણ થવાનો બાકી હતો. સુસાઇડ નોટમાં મકાન શૈલેષ પટેલને સોંપી દેવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પતિ, માતા-પિતા અને ભાઈના અગાઉ થયેલા અવસાનથી પરિવાર ડિપ્રેશનમાં હોવાનું પોલીસે જણાવ્યું છે.
સુસાઇડ નોટમાં પુત્રી જેનીએ એક લાખ વખત ભગવાન રામનું નામ લખ્યું હોવાનો ઉલ્લેખ છે. પરિવારે હોસ્પિટલ વ્યવસ્થિત ચાલે તે માટે ખાટુશ્યામ ભગવાનની બાધા રાખી હતી. ઉપરાંત ઘરમાં કામ કરતી મહિલાને કોઈ હેરાન ન કરે તેવી વિનંતી પણ નોંધમાં કરવામાં આવી છે.
ઘટનાસ્થળેથી પોલીસે ત્રણ મોબાઈલ ફોન અને સુસાઇડ નોટ કબજે કર્યા છે. ત્રણેયના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કર્યા બાદ અંતિમવિધિ માટે પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસે કાયદેસરની આગળની તપાસ ચાલુ રાખી છે.
સમાજના આગેવાન શશિકાંત પાટડીયાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, આયુર્વેદિક હોસ્પિટલ ચલાવતી મહિલા, કેનેડાથી અભ્યાસ કરીને પરત ફરેલો યુવાન અને હોશિયાર દીકરી સહિત એક જ પરિવારના ત્રણ સુશિક્ષિત સભ્યોની એકસાથે વિદાય સમાજ માટે પીડાદાયક છે. આ પરિવારની સમાજમાં સારી પ્રતિષ્ઠા હતી અને તેઓ સક્રિય જીવન જીવતા હતા.
સ્થાનિક રહેવાસી અને સંબંધી હિતેશ સોનીએ જણાવ્યું કે, સાંજે સાડા પાંચથી પોણા છ વાગ્યાના અરસામાં આ ઘટનાની જાણ થઈ. પરિવાર સધ્ધર અને પ્રતિષ્ઠિત હતો અને સગા-સંબંધીઓ પણ હંમેશાં તેમની સાથે ઊભા રહેતા હતા.