સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલેથી ઘરે આવી ટેરેસ પરથી કૂદી

વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલેથી ઘરે આવી ટેરેસ પરથી કૂદી

વડોદરા શહેરમાં રહેતા એક બિઝનેસમેનની ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય પુત્રીએ આપઘાત કર્યો છે. 19 સપ્ટેમ્બરના રોજ બપોરે સ્કૂલેથી ઘરે પરત આવ્યા બાદ વિદ્યાર્થિનીએ પાંચ માળની ઈમારતના ટેરેસ પરથી છલાંગ લગાવી દીધી હતી.

મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થિની વડસર બ્રિજ પાસેની જય અંબે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. સવારે 6:10 વાગ્યે તે રાધે રેસિડેન્સીમાં આવેલા પોતાના ઘરેથી સ્કૂલ બસમાં સ્કૂલે ગઈ હતી અને બપોરે 11 વાગ્યાની આસપાસ ઘરે પહોંચી હતી. ઘરે પહોંચ્યા બાદ તરત જ તે પાંચમા માળના ટેરેસ પર ગઈ અને નીચે કૂદી પડી હતી.

માથામાં ગંભીર ઈજાઓ થતાં વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિદ્યાર્થિની નીચે પડતાં જોરદાર અવાજ થયો હતો, જે સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. મકરપુરા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ રહસ્યમય આપઘાતને પગલે પરિવારજનો અને સંબંધિત લોકોમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. કયા કારણોસર આ પગલું ભરવામાં આવ્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે પરિવારજનો અને સંબંધિત લોકોની પૂછપરછ હાથ ધરી છે અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.