વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નવી જીથરડી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ અને વાસણ મંજાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ચર્ચા જગાવી છે.
વાલીઓએ જણાવ્યું કે, બાળકોના હાથમાં પુસ્તકોને બદલે સાવરણી પકડાવીને શાળા પરિસરની સફાઈ કરાવવામાં આવતી હતી. આ અંગે વાલીઓએ ઉગ્ર રજૂઆત કરતાં ગામના સરપંચે શાળાની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાળકોએ કેમેરા સમક્ષ જણાવ્યું હતું કે, 'સાહેબે અમને કચરો વાળવા કહ્યું હતું.' આ ઉપરાંત શિક્ષકોના વાસણો પણ બાળકો પાસે સાફ કરાવવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે.
સ્થાનિક સ્તરે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં આખરે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
બીજી તરફ, શાળાના આચાર્યએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. શાળામાં બાલવાટિકાથી ધોરણ ૫ સુધીના વર્ગો છે અને કુલ ૨૯ વિદ્યાર્થીઓ ભણે છે. આ સરકારી શાળામાં માત્ર બે જ શિક્ષકો ફરજ બજાવે છે. શાળા પરિસરમાં ગંદકી અને ઝાડી-ઝાંખરા હોવાથી અવારનવાર ઝેરી જીવજંતુ કે સાપ નીકળવાનો ભય રહે છે. જો આવા જોખમી વાતાવરણમાં સફાઈ કરતી વખતે કોઈ બાળક સાથે દુર્ઘટના ઘટે તો તેનો જવાબદાર કોણ? તેવા સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.
આ મામલે વધુ તપાસ અને અધિકારીઓની કાર્યવાહી બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.