વડોદરામાં ભારતીય વાયુસેનાની 11મી સ્કવોડ્રનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના ભાગરૂપે ગુરુવારે (13 નવેમ્બર) સારંગ હેલિકોપ્ટર ટીમે એર શો યોજ્યો હતો. સ્વદેશી એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર્સ સાથે પાયલોટોએ ડાયમંડ, હાર્ટ જેવા વિવિધ ફોર્મેશન રજૂ કર્યા, જેણે ઉપસ્થિત સૌને રોમાંચિત કર્યા હતા.
સારંગ ટીમ એશિયાની એક માત્ર હેલિકોપ્ટર ટીમ છે. આ એર શોમાં પાંચ હેલિકોપ્ટર એક સાથે આકાશમાં ઉડાન ભરીને પંદર મિનિટ સુધી અલગ-અલગ ફોર્મેશન્સ દર્શાવ્યા હતા. ટીમના સભ્યોએ જણાવ્યું કે, 'આ હેલિકોપ્ટર ભારતમાં જ બનેલા છે અને સંપૂર્ણપણે સ્વદેશી છે. તેને ઉડાવવું અમારા માટે ગૌરવની વાત છે.'
સારંગ ટીમમાં મહિલા પાયલોટ ફ્લાઇટ લેફટનન્ટ અશનીતનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું, 'પંદર મિનિટના એર શો માટે પાયલોટે આકરી પ્રેક્ટિસ કરી હોય છે. જેવા અમે એર શો માટે હેલિકોપ્ટરમાં બેસીએ છીએ એટલે આસપાસની દુનિયાને ભૂલી જઈએ છીએ અને હેલિકોપ્ટરનો જ એક ભાગ બની જઈએ છીએ. આ માટે 100 ટકા ફોકસ રાખવું બહુ જરૂરી છે.'
ટીમના સ્કવોડ્રન લીડર નિશાંક અવસ્થીએ જણાવ્યું કે, 'સારંગ ટીમમાં સામેલ થવાનો નિર્ણય સ્વૈચ્છિક હોય છે. ટીમમાં પસંદગી થયા બાદ પણ એકથી દોઢ વર્ષની આકરી ટ્રેનિંગ બાદ એર શોમાં પાયલોટ ભાગ લઈ શકે છે. ટીમમાં સામેલ નવા પાયલોટની ટ્રેનિંગની શરૂઆત એક હેલિકોપ્ટર સાથે ઉડાન ભરવાથી થાય છે અને પછી તબક્કાવાર પાંચ હેલિકોપ્ટર સાથે ઉડવાની તાલીમ આપવામાં આવે છે. એર શો દરમિયાન પાયલોટ માટે એકબીજા સાથે તાલમેલ હોવો બહુ જરૂરી છે અને એટલે જ અમે સતત પ્રેક્ટિસ પર ભાર આપીએ છીએ. અમારા માટે સૌથી મોટી પ્રેરણા લોકો તરફથી મળતો પ્રેમ અને સન્માન છે.'
સારંગ ટીમની ફેક્ટ ફાઇલ:
- 2003માં સ્થાપના અને 385 કરતાં વધારે સ્થળોએ 1200થી વધારે એર શો.
- ભારતની સાથે સિંગાપોર, યુએઈ, જર્મની, રશિયા, બેહરીનમાં પણ એર શો.
- ટીમનું એરબેઝ તામિલનાડુના સુલુર ખાતે આવેલું છે.
- સારંગનો અર્થ મોર થાય છે. હેલિકોપ્ટર પર મોરપિંછની ડિઝાઇન છે.
- ટીમે ઉત્તરાખંડમાં 2013માં આવેલા પૂર વખતે આ જ હેલિકોપ્ટરોની મદદથી 1000 લોકોને બચાવ્યા હતા.