સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ નેતા સુરેશ પાનસૂરિયા સહિત 5 સામે વધુ બે ફરિયાદ

વડોદરા રિયલ એસ્ટેટ કૌભાંડ: ભાજપના પૂર્વ નેતા સુરેશ પાનસૂરિયા સહિત 5 સામે વધુ બે ફરિયાદ

વડોદરામાં હરણી-સમા લિંક રોડ અને અન્ય વિસ્તારોમાં 'એસપી ઈન્ફ્રા'ના નામે મકાનોની સ્કીમો ચલાવનાર અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસૂરિયા, તેમના પુત્ર અને ત્રણ ભાઈઓ સામે વધુ બે ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડની કુલ રકમ રૂ. 10 કરોડ સુધી પહોંચી છે.

ગોધરાના રતનપુર વિસ્તારમાં રહેતાં જ્યોતિકા પટેલે પોલીસને જણાવ્યું કે, વર્ષ 2021માં તેમણે હરણી-સમા લિંક રોડ પરની સ્કીમમાં દુકાન, ફ્લેટ અને મલ્ટિપ્લેક્સ સ્ક્રીનમાં રોકાણ કર્યું હતું. આરોપીઓએ તેમની જાણ બહાર ખોટી સહી કરીને બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા અને બુક કરાવેલી મિલકત ત્રાહિત વ્યક્તિને વેચી દીધી. જ્યોતિકાએ જણાવ્યું કે તેમને રૂ. 6.66 કરોડ ચૂકવવાના બાકી છે, પરંતુ ન તો રકમ મળી છે કે ન તો મિલકત, અને બાનાખત પણ એકતરફી રદ કરાવી દેવામાં આવ્યા છે.

આ જ પ્રકારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચંદુપુર ગામે રહેતા ચંદ્રકાંત પટેલે પોલીસને જણાવ્યું કે તેમણે સુરેશ પાનસૂરિયા, તેમના પુત્ર અને ભાઈઓની પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું, પરંતુ તેમને રૂ. 3.32 કરોડ પરત મળ્યા નથી કે પ્રોપર્ટી પણ મળી નથી.

હરણી પોલીસે આ બંને ફરિયાદોના આધારે અલગ અલગ ગુનાઓ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓમાં સુરેશ પાનસૂરિયા, મનીષ પાનસૂરિયા, પ્રવીણ પાનસૂરિયા, કિશોર પાનસૂરિયા અને રવિ પાનસૂરિયાનો સમાવેશ થાય છે.