વડોદરામાં ગઈકાલે (8 સપ્ટેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા દરમિયાન જૂનાગઢની રાષ્ટ્રીય ગોલ્ડ મેડલિસ્ટ ચેસ ખેલાડી વિશ્વા હિતેશભાઈ વાડોયા ભાવુક થઈ ગઈ હતી. PM મોદીને નજીકથી જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, 'આજે મેં મારા ભગવાનને જોયા.' આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વિશ્વાએ જણાવ્યું કે, તેણીના ગામમાં છોકરીઓને રમતગમતમાં ભાગ લેવાની મંજૂરી નહોતી. પરંતુ તેના પિતાએ 'ખેલ મહાકુંભ' યોજનામાં તેનું નામ નોંધાવ્યું, જે તેની કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થયું. ત્યારબાદ તેણીએ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય FIDE રેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને આજે તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)માં ચેસ કોચ તરીકે કાર્યરત છે.
જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના એક નાનકડા ગામમાંથી આવતી 23 વર્ષીય વિશ્વાએ ભાવુક થઈને કહ્યું, 'આજે હું જીવનમાં જે કંઈ પણ છું, તે ખેલ મહાકુંભ યોજનાને કારણે છું. મારા પિતા અને મારા માટે મોદીજી ભગવાન સમાન છે. તેમને રૂબરૂ જોવાનું મારું સ્વપ્ન હતું, જે આજે પૂરું થયું.' તેણીએ ઉમેર્યું કે, જો ખેલ મહાકુંભ ન શરૂ થયો હોત, તો તેની રમતગમતની સફર ક્યારેય શક્ય ન બની હોત.
વિશ્વાએ સરકારની DLSS યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. તેણીએ જણાવ્યું કે, સરકારે તેના અભ્યાસ અને રમતનો તમામ ખર્ચ ઉપાડ્યો છે. 'મારા જેવા નાના ગામના ખેલાડીઓ માટે સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે કોઈ પ્લેટફોર્મ કે સુવિધાઓ નહોતી. પરંતુ સરકારની આ યોજનાઓને કારણે મને નોકરી અને રમતમાં આગળ વધવાની તક મળી છે. હું મોદીજીની દિલથી આભારી છું.'