વડોદરા: શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા પાર્ટી પ્લોટમાં વણઝારા સમાજના નવરાત્રિ મહોત્સવ દરમિયાન એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે પાર્ટી પ્લોટની બહાર 26 વર્ષીય નિલેશ વણઝારાને અજાણ્યા શખસોએ ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી જોવા મળી રહી છે. મૃતકની માતાએ આક્રંદ સાથે કહ્યું, 'મારા દીકરા નિલેશ... મારા રાજા બાબુ... પાછો આવી જા મારા દીકરા... તારા વિના તારી આ મમ્મી સુની છે, મારા બેટા...'
ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-3 અભિષેક ગુપ્તા સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. કપુરાઈ પોલીસ ઉપરાંત એલસીબી અને ડીસીબીની ટીમોએ તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકના રહેઠાણ અને કામના સ્થળે તપાસ કરી છે. મોબાઇલ ફોનની વિગતો અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે હત્યાના ભેદ ઉકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે. માનવ બુદ્ધિમત્તા (હ્યુમન ઇન્ટેલિજન્સ)ની મદદથી પણ સંભવિત આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે, પાર્ટી પ્લોટની સામેના રસ્તા પર નિલેશભાઈ વણઝારાની હત્યા કરવામાં આવી છે. આ મામલે લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીબીની અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી ચાલુ છે અને વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકના માતાએ જણાવ્યું કે અન્ય સાથેના ઝઘડામાં તેમના નિર્દોષ દીકરાને મારી નાખવામાં આવ્યો. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને તેમાં કોણ સંડોવાયેલું છે, તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.