વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે કરેલા અનોખા વિરોધ પ્રદર્શનને કારણે જોરદાર હોબાળો થયો હતો. સભા દરમિયાન કોંગ્રેસના નગરસેવકોએ મેયરના ટેબલ પર દીવા પ્રગટાવ્યા, જેના કારણે સત્તાપક્ષ ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આમને સામને આવી ગયા અને બંને વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ શરૂ થયું.
ભાજપના નગરસેવકોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે મેયરનું અપમાન કર્યું છે. જ્યારે કોંગ્રેસના નગરસેવકોએ બચાવ કરતાં કહ્યું કે શહેરની સમસ્યાઓ, જેમ કે રસ્તા, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ, સત્તાપક્ષને દેખાય તે માટે તેમણે દીવા પ્રગટાવ્યા હતા. કોંગ્રેસના નગરસેવક તીર્થ બ્રહ્મભટ્ટે શહેરની સમસ્યાઓ લખેલી ટી-શર્ટ પહેરીને વિરોધ કર્યો હતો.
ઉગ્ર બોલાચાલી મારામારી સુધી પહોંચે તે પહેલાં જ સાર્જન્ટોએ દખલગીરી કરીને બંને પક્ષના નગરસેવકોને છૂટા પાડ્યા હતા. આ ઘટના સામાન્ય સભામાં વિપક્ષના વિરોધના કારણે સર્જાઈ હતી, જેમાં શહેરની સમસ્યાઓને લઈને બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હતો.