વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ નિશી ફ્લેટ એપાર્ટમેન્ટમાં 34 વર્ષીય દક્ષાબહેન પરિવાર સાથે ત્રીજા માળે રહેતા હતા. શુક્રવારે સવારે તેમનો ચાર વર્ષનો દીકરો રમતા-રમતા બાલ્કની નજીક પહોંચી ગયો અને નીચે પડવાની અવસ્થામાં આવી ગયો હતો.
દીકરાને જોઈને દક્ષાબહેને તેને બચાવવા દોડ મૂકી, પરંતુ આ દરમિયાન તેમનું સંતુલન બગડી ગયું અને તેઓ ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પટકાયા. બાળક સુરક્ષિત રહ્યો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન દક્ષાબહેનનું મોત થયું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને લોહીથી લથપથ મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં તબીબોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનું મોત નીપજ્યું.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મહિલા નીચે પટકાતી અને આસપાસના લોકો મદદ માટે દોડી આવતા જોવા મળે છે. સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓના નિવેદનના આધારે ઘટનાના સંજોગો જાણવાનો પ્રયાસ કરી રહી છે.