સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરાનો પ્રથમ 'મોડેલ રોડ': ₹47 કરોડમાં 8 લેન, વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી

વડોદરાનો પ્રથમ 'મોડેલ રોડ': ₹47 કરોડમાં 8 લેન, વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી

વડોદરા શહેરને હવે પોતાનો પ્રથમ અત્યાધુનિક 'મોડેલ રોડ' મળવા જઈ રહ્યો છે. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (VUDA) દ્વારા વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધીના માર્ગને 8 લેન રોડ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને સુરતમાં બનેલા મોડેલ રોડની તર્જ પર વડોદરામાં પણ આ પ્રકારનો રસ્તો બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગ પર નડતરરૂપ ગેરકાયદે દબાણો સત્વરે દૂર કરવામાં આવશે. અમદાવાદના એરપોર્ટ રોડ જેવી આધુનિક ડિઝાઇન ધરાવતા આ માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થાની સાથે સૌંદર્યીકરણ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. રોડના ડિવાઇડર નજીક કેફેટેરિયા, પાર્કિંગની સુવિધા તેમજ બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક જેવી સુવિધાઓ ઊભી કરાશે.

VUDAના આયોજન મુજબ, આ સમગ્ર પ્રોજેક્ટ આશરે ₹47 કરોડના ખર્ચે સાકાર થશે અને ડિસેમ્બર 2027 સુધીમાં નિર્માણકાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ રોડ તૈયાર થતાં સ્થાનિક નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે અને વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવો આયામ મળશે.