સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મ: લગ્નની લાલચ આપી બંધ કાફેમાં લઈ જઈ કૃત્ય આચર્યું, પિતાએ ફરિયાદ નોંધાવી

વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મ: લગ્નની લાલચ આપી બંધ કાફેમાં લઈ જઈ કૃત્ય આચર્યું, પિતાએ ફરિયાદ નોંધાવી

વડોદરામાં એક સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સગીરાના પિતાએ આ મામલે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, પીડિત સગીરા અને આરોપી યુવક વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ થઈ હતી. સમય જતાં બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી અને તેઓ ફોન પર વાતચીત કરતા હતા. આ ઉપરાંત, ટ્યુશન ક્લાસીસમાં જતી વખતે પણ બંને અવારનવાર એકબીજાને મળતા હતા.

ઘટનાના દિવસે, સગીરા ટ્યુશન ક્લાસીસ જવાના બહાને ઘરેથી વહેલી નીકળી હતી. આ દરમિયાન, આરોપી યુવકે સગીરાને લગ્ન કરવાની ખોટી લાલચ આપી, ફોસલાવીને પોતાના વાહન પર બેસાડી એક બંધ કાફેમાં લઈ ગયો હતો. કાફેની ચાવી યુવક પાસે હોવાથી તેણે અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ ત્રણ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આરોપી સગીરાને પરત મૂકીને જતો રહ્યો હતો.

થોડા સમય બાદ જ્યારે યુવકે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો, ત્યારે પીડિત સગીરાએ હિંમત ભેગી કરીને સમગ્ર આપવીતી પોતાના પરિવારજનોને જણાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સગીરાના પિતાએ તુરંત જ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.