વડોદરા: સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે રેગિંગ અને ત્રાસના ગંભીર આરોપો સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગઈકાલે SSG હોસ્પિટલ અને મેડિકલ કોલેજની અચાનક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટર્સ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ સંવાદમાં સાઇકિયાટ્રિક વિભાગના ડૉ. ચિરાગ બારોટ સામે રેસિડેન્ટ ડોક્ટર્સે લેખિતમાં ગંભીર ફરિયાદો કરી હતી.
ફરિયાદમાં R1, R2, R3 અને સિનિયર રેસિડેન્ટ સહિત આશરે 18 ડોક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે ડૉ. બારોટ તેમની શારીરિક અને માનસિક હેરાનગતિ કરે છે. ઉપરાંત, અભદ્ર મેસેજ મોકલવા, કામના સમય પછી અયોગ્ય માંગણીઓ, હોસ્ટેલના રૂમ નંબર પૂછવા, અશ્લીલ ટિપ્પણીઓ, રેગિંગ તેમજ પરીક્ષામાં ફેલ કરવાની ધમકીઓ આપવા જેવા આરોપો મૂકવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રીએ આ રજૂઆતને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ડૉ. ચિરાગ બારોટની બદલી સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે કરી દેવામાં આવી છે.
મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓ અને તબીબોની સુરક્ષા, માન-સન્માન અને માનસિક શાંતિ સાથે કોઈ સમાધાન થશે નહીં. રે Ragin, શારીરિક-માનસિક શોષણ કે ગેરવર્તણૂક સામે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ છે. કોઈપણ મેડિકલ સંસ્થામાં આ પ્રકારની અશિસ્ત ચલાવી લેવાશે નહીં.”