વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સફ્રોન ટાવર નજીક આવેલા ગેંડા સર્કલ પર એક યુવક ચઢી જતાં વિસ્તારમાં ભારે ચર્ચા અને લોકોની ભીડ એકઠી થઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો.
યુવક કયા કારણસર સર્કલ પર ચઢ્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. સ્થાનિક લોકોએ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો.
ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોએ યુવકને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ ન થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
આ ઘટના સાંજના સમયે બની હોવાનું જાણવા મળે છે, જ્યારે વિસ્તારમાં લોકોની અવરજવર વધુ હોય છે. પોલીસ યુવકની ઓળખ અને તેના આ પગલા પાછળના કારણોની તપાસ કરી રહી છે.