સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં બે એક્ટિવામાંથી 455 દારૂની બોટલ મળી, બે આરોપી ઝડપાયા

વડોદરામાં બે એક્ટિવામાંથી 455 દારૂની બોટલ મળી, બે આરોપી ઝડપાયા

વડોદરાના બાપોદ વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી બે એક્ટિવા મોપેડમાંથી 455 વિદેશી દારૂની બોટલ કબજે કરવામાં આવી છે, જેની કિંમત 91 હજાર રૂપિયા આંકવામાં આવી છે.

બાપોદ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી કે બે એક્ટિવા મોપેડ (GJ-06-PM-5003 અને GJ-23-DB-7712) પર વિદેશી દારૂનો જથ્થો લઈને બે શખ્સો પસાર થવાના છે. પોલીસે તરત જ વોચ ગોઠવી બંને મોપેડને અટકાવ્યા હતા.

તપાસમાં મોપેડના ડિક્કી અને દરેક ખૂણામાં છુપાવવામાં આવેલી દારૂની બોટલો મળી આવી હતી. બોટલો કાઢવામાં પોલીસકર્મીઓને પણ પરસેવો વળી ગયો હતો. આટલી બધી બોટલો એક્ટિવામાં ભરેલી જોઈને પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી.

પોલીસે સ્થળ પરથી અલ્કેશ અરવિંદભાઈ રાઠવા (રહે. ખોરવાણીયા, તા.જી. છોટાઉદેપુર) અને સુનિલ પ્રતાપભાઈ રાઠવા (રહે. લગામી, તા.જી. છોટાઉદેપુર)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી કુલ 1,41,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો વડોદરાના કોડકા ગામની લક્ષ્મીબેન અર્જુનભાઈ માળી નામની મહિલાએ મંગાવ્યો હતો. બંને આરોપી મહિલા બુટલેગરને દારૂ પહોંચાડવા આવ્યા હતા.

બાપોદ પોલીસે બંને આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી લીધો છે અને દારૂ મોકલનાર મુખ્ય સપ્લાયર તથા માલ મંગાવનાર મહિલાને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ કરી છે.