સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં દિવાળી પહેલા 1.24 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ

વડોદરામાં દિવાળી પહેલા 1.24 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, 4ની ધરપકડ

વડોદરા જિલ્લામાં દિવાળીના તહેવાર પહેલા દારૂની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ કોટંબી પાસે આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સાઇનાથ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં દરોડો પાડીને 1.24 કરોડ રૂપિયા કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા દારૂની 1,490 પેટીઓ છે, જે હરિયાણા અને મહારાષ્ટ્રથી લાવીને વડોદરા જિલ્લામાં સપ્લાય કરવાની યોજના હતી. દારૂનું વેચાણ શરૂ થાય તે પહેલાં જ જિલ્લા એલસીબીની ટીમે સચોટ માહિતીના આધારે દરોડો પાડ્યો હતો.

આ કેસમાં રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ સંડોવાયેલી હોવાનું પોલીસે જણાવ્યું છે. ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ ઉપરાંત હરિયાણાના સુમિત, જોધપુરના સુનીલ અને મહારાષ્ટ્રના પ્રધાનજી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

દિવાળી અને 31 ડિસેમ્બર નજીક આવી રહ્યા છે ત્યારે આ કાર્યવાહીથી બુટલેગરોના મોટા પ્લાનને ફટકો પડ્યો છે. પોલીસ હવે આ નેટવર્કના અન્ય સભ્યો અને દારૂની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે.