સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા: IT કંપનીના કર્મચારીએ 12માં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી, ફ્લેટ જોવા ગયો હતો

વડોદરા: IT કંપનીના કર્મચારીએ 12માં માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી, ફ્લેટ જોવા ગયો હતો

વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગોરવા ખાતેની એક IT કંપનીમાં કામ કરતા 34 વર્ષીય યુવકે નિર્માણાધીન રેસિડેન્શિયલ બિલ્ડિંગના 12મા માળેથી નીચે પડીને આત્મહત્યા કરી લીધી છે.

મૃતકનું નામ રોહન નાર્વેકર હતું. તે કારેલીબાગના સલાટવાડા વિસ્તારમાં રહેતો હતો અને ગોરવાની એક IT કંપનીમાં નોકરી કરતો હતો. તેની પત્ની પણ એક IT કંપનીમાં નોકરી કરે છે. રોહને હાલમાં જ માંજલપુરની 'ફોર્ચ્યુન પ્રેસ્ટિજ' સ્કીમમાં પોતાના માટે ફ્લેટ બુક કરાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે રોહન ફ્લેટ જોવા માટે બિલ્ડિંગના 12માં માળે ગયો હતો, ત્યારબાદ તેણે 12માં માળેથી નીચે પડતું મૂક્યું. ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમનું રૂદન સાંભળીને આસપાસના લોકો પણ ભાંગી પડ્યા હતા. રોહનના મૃત્યુ બાદ તેની બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એચ. ચૌધરીએ જણાવ્યું કે, રોહનના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે શેરબજારમાં તેના રૂપિયા ડૂબી ગયા હતા. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.