વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં યોજાયેલા વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ 2026માં વિદેશી પ્રતિનિધિઓએ પરંપરાગત ગરબાનો અનોખો અનુભવ માણ્યો હતો. સાંસદ ડૉ. હેમાંગ જોષીની આગેવાની હેઠળ યોજાયેલા આ મહોત્સવમાં લક્ષ્મી વિલાસ પેલેસથી નવલખી મેદાન સુધી ગરબાનો રંગ જામ્યો હતો.
નવરાત્રિ એટલે મા જગદંબાની આરાધનાનો અવસર. ગુજરાતમાં નવ દિવસ સુધી રાત્રે ગરબે રમીને માની આરાધના કરવાની પરંપરા છે. આ વર્ષે પણ ગુજરાતભરમાં જાત-જાતના ગરબા મહોત્સવ ચાલી રહ્યા છે. તેમાં વડોદરાનો આ ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે માતા આદ્યશક્તિની આરતી અને હજારો ખેલૈયાઓની તાલબદ્ધ ગરબાની રમઝટે સૌને અભિભૂત કર્યા હતા. માતાજીના મંદિરના પ્રાંગણમાં વિદેશી મહેમાનો પણ ગરબે ઘૂમ્યા અને ભક્તિ, સંગીત તથા પરંપરાના આ દિવ્ય સંગમનો આનંદ માણ્યો હતો.
ગુજરાતીઓની સાથે-સાથે વિદેશી રાજદ્વારીઓ પણ ગરબાના તાલે મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમણે ગરબામાં હાથ પણ અજમાવ્યો હતો. tv9 સાથેની વાતચીતમાં આ રાજદ્વારીઓએ જણાવ્યું કે તેઓ આ મહોત્સવ માણીને ખૂબ ઉત્સાહિત છે અને આખી રાત ગરબા ઉત્સવની મજા માણશે.