સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદ, ગરમીથી રાહત અને ખેડૂતોમાં ખુશી

વડોદરામાં લાંબા વિરામ બાદ વરસાદ, ગરમીથી રાહત અને ખેડૂતોમાં ખુશી

વડોદરા શહેર અને જિલ્લામાં લાંબા સમયથી વરસાદ નહોતો વરસ્યો. છેવટે સોમવારે સાંજે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી. દિવસભરની અસહ્ય ગરમી અને વાદળછાયા વાતાવરણ બાદ સાંજે શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરાવી દીધી છે.

વરસાદના કારણે નોકરી-ધંધાથી ઘર તરફ પરત ફરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને ધીમે ચાલવું પડ્યું હતું.

શહેરના રાવપુરા, ફતેગંજ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કારેલીબાગ, સુભાનપુરા, સયાજીગંજ, પાણીગેટ, માંડવી અને હરણી સહિતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ છૂટોછવાયો અને સારો વરસાદ વરસ્યો છે.

વાવણીનું કામ પૂરું કરીને સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ વરસાદથી ખુશીનો માહોલ છે. ધરતીપુત્રો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતાઓ છે. જેથી લોકોને ગરમીથી રાહત મળવાની આશા છે.