વડોદરા શહેરમાં શનિવારે વહેલી સવારે છ વાગ્યાથી વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. થોડા જ કલાકોમાં 2.5 ઇંચ (લગભગ 63 મિમી) વરસાદ ખાબકતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમું પાણી ભરાઈ ગયું હતું. વાઘોડિયા રોડ, રાવપુરા રોડ, ચાર દરવાજા અને આજવા રોડ જેવા વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સવારે કામ-ધંધે જવા નીકળેલા લોકોએ પાણીમાંથી વાહનો પસાર કરવા મજબૂર બનવું પડ્યું હતું. અનેક સ્થળોએ વાહનો પાણીમાં બંધ પડી જતાં ચાલકોએ ધક્કા મારીને વાહનો બહાર કાઢવાની નોબત આવી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના છેલ્લા 24 કલાકના આંકડા પ્રમાણે, દાંડિયા બજારમાં સૌથી વધુ 89.50 મિમી અને આસોજમાં 71.50 મિમી વરસાદ નોંધાયો હતો.
શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની વાતો વચ્ચે પણ વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા યથાવત્ છે. વરસાદ પડતાં જ ચોક્કસ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે. યોગ્ય આયોજન અને કાયમી ઉકેલના અભાવે દર વર્ષે ચોમાસામાં શહેરીજનોએ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઘટનાએ તંત્રની વરસાદ પૂર્વેની કામગીરી અને આયોજન સામે ફરી સવાલો ઊભા કર્યા છે.
આજે ગણેશ સ્થાપનાનો દિવસ હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ગણેશ પંડાલોમાં ઘૂસી જતાં આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. ગણેશ પ્રતિમાઓ અને મંડપને વરસાદથી બચાવવા પ્લાસ્ટિકના આવરણથી ઢાંકવાની કામગીરી કરવામાં આવી હતી. મોટાભાગના સ્થળોએ હજુ શ્રીજીની સ્થાપના બાકી હોવાથી આયોજકો વરસાદ વિરામ લે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા.
રાજ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદ યથાવત્ રહેતાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેતીપાકને પણ નવું જીવતદાન મળ્યું છે. વરસાદ ખેંચાઈ જતાં પાક અને પાણીની સ્થિતિ અંગે ચિંતિત બનેલા લોકોમાં ફરી વરસાદ વરસતાં રાહતની લાગણી જોવા મળી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ, ભારે વરસાદની શક્યતાને પગલે પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. દાદરા અને નગર હવેલી, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ છે. ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ છે.
15 સપ્ટેમ્બરે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ રહેશે, જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ યથાવત્ રહેશે. 16 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 17 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદનું જોર ઘટી વિરામ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.