વડોદરા શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન રેશનિંગ દુકાનો પર સિંગતેલની અછત સર્જાઈ છે. પુરવઠા વિભાગે વ્યાજબી ભાવની દુકાનોને પાત્રતા ધરાવતા લાભાર્થીઓની સંખ્યાના આધારે જરૂરી જથ્થા કરતાં 20થી 40 ટકા ઓછો જથ્થો ફાળવ્યો છે. પરિણામે, દુકાનદારો પાસેથી 100 ટકા નાણાં લેવાયા બાદ પણ તેમને માત્ર 60થી 80 ટકા જ તેલ પહોંચાડવામાં આવ્યું છે.
દિવાળીના તહેવારો માટે ઓક્ટોબર મહિનામાં વિતરણ કરવાનું હોય છે. સરકારે દુકાનદારો પાસેથી પૂરા જથ્થાના નાણાં વસૂલી લીધા છે, પરંતુ તેમને ઓછું તેલ આપવામાં આવી રહ્યું છે. દુકાનદારોના આક્ષેપ મુજબ, તહેવારો વચ્ચે તેમના 20 ટકા તેલના નાણાં સરકારે અટકાવી દીધા છે અને આ રકમ ક્યારે પરત મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
રેશનિંગ દુકાનો પર 100 ટકા કાર્ડધારકો સામે માત્ર 80 ટકા લોકોને જ 'વહેલા તે પહેલા' ધોરણે તેલ મળે તેવી સ્થિતિ છે. જેઓ પાછળ રહી જાય છે તેમને દિવાળી જેવા પર્વમાં સિંગતેલ મળતું નથી, જેથી તેઓ દુકાનદારો સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આથી રોજેરોજ ઘર્ષણ અને માથાકૂટના બનાવો સર્જાય છે. જો કોઈ કાર્ડધારક ઓનલાઈન ફરિયાદ કરે તો પુરવઠા વિભાગ દુકાનદારને જ તેલ કેમ ન આપ્યું તેવું પૂછે છે.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે, કોઈ પણ દુકાનદારને ઓછું તેલ આપવામાં આવ્યું નથી. જો એવી સ્થિતિ હશે તો તેમની માગણી મુજબનો પૂરો જથ્થો પૂરો પાડવામાં આવશે.
પુરવઠા વિભાગ દ્વારા રૂ. 97ના દરે 1 લિટર સિંગતેલનું પાઉચ રેશનિંગ દુકાનદારોને આપવામાં આવે છે, જ્યારે દુકાનદારો લાભાર્થીઓને રૂ. 100ના દરે તેનું વેચાણ કરે છે. રાજ્યભરમાં રેશનિંગ દુકાનો મારફતે વિતરણ થતું 1 લિટરનું આ પાઉચ 'ગોકુલ એગ્રી ઈન્ટરનેશનલ લિમિટેડ' બ્રાન્ડનું છે. પાટણ જિલ્લાની આ કંપનીના ચેરમેન બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂત છે, જેઓ રાજ્ય સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, જ્યારે તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) છે.