સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરાની કોલેજિયન યુવતી પર મુંબઈમાં દુષ્કર્મ: બે આરોપી ઝડપાયા, 7 દિવસના રિમાન્ડ

વડોદરાની કોલેજિયન યુવતી પર મુંબઈમાં દુષ્કર્મ: બે આરોપી ઝડપાયા, 7 દિવસના રિમાન્ડ

વડોદરામાં કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સાથે મુંબઈમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપીઓએ યુવતીને પાર્ટીના બહાને મુંબઈ બોલાવી, હોટેલમાં કેફી પીણું પીવડાવ્યું અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ વલસાડના ડુંગરા પોલીસ મથકે નોંધાઈ છે.

વાપીના DySP બી. એન. દવેએ આપેલી માહિતી અનુસાર, પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં સફાન શેખ (રહે. વડોદરા) અને ફરીદ કોઠિયાવાલા (રહે. સુરત)નો સમાવેશ થાય છે. અદાલતે બંને આરોપીઓને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવતીની ઈન્સ્ટાગ્રામ પર આરોપી સફાન સાથે મિત્રતા થઈ હતી. સફાને તેને પાર્ટી કરવાના બહાને મુંબઈ બોલાવી હતી, જ્યાં તે અને તેના સુરતના મિત્રો હોટેલમાં એકઠા થયા હતા. પાર્ટી દરમિયાન આરોપીઓએ યુવતીને કેફી પીણું પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘટના બાદ યુવતીની તબિયત લથડતા આરોપીઓ તેને ફોર-વ્હીલર કારમાં સુરત તરફ લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં વાપી નજીક તેની હાલત વધુ ખરાબ થતાં આરોપીઓ તેને સારવાર માટે વાપીની એક હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલ પહોંચ્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હોસ્પિટલના તબીબે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ ડુંગરા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને યુવતીની આપવીતી સાંભળીને ગુનો રજિસ્ટર કર્યો હતો. પોલીસે યુવતીનું તબીબી પરીક્ષણ કરાવ્યું છે. આ ગુનામાં અન્ય કેટલા આરોપીઓ સંકળાયેલા છે તે દિશામાં અલગ-અલગ ટીમો બનાવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.