સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરા ગરબા હત્યાકાંડ: પુત્રની હત્યાનો બદલો લેવા 30 લાખ અને બે મકાનની સોપારી, 4 ઝડપાયા

વડોદરા ગરબા હત્યાકાંડ: પુત્રની હત્યાનો બદલો લેવા 30 લાખ અને બે મકાનની સોપારી, 4 ઝડપાયા

વડોદરાના સોમાતળાવ ચાર રસ્તા પાસે આવેલા સ્વાગત પાર્ટી પ્લોટ નજીક 19 ઓક્ટોબરે થયેલી 24 વર્ષીય નિલેશ વણઝારાની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. આ હત્યા જૂની અદાવતનું પરિણામ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હત્યા પાછળ પુત્રની હત્યાનો બદલો લેવાનો હેતુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિક્રમ વણઝારાના પુત્ર સુમિતની ત્રણ મહિના પહેલા હત્યા થઈ હતી. આ હત્યામાં મૃતક નિલેશના ભાઈ અજય વણઝારાની ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલ સેન્ટ્રલ જેલમાં છે. આ જ કારણસર વિક્રમે પુત્રની હત્યાનો બદલો લેવા માટે નિલેશની હત્યાનું કાવતરું રચ્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી પુનમ અમરસિંહ વણઝારા (30) સહિત કુલ ચાર શખસોની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓમાં વિક્રમ ગોરધનભાઈ વણઝારા, વિજયકુમાર ઉર્ફે વિજુ ઉર્ફે બ્રિજેશ વણઝારા અને સતિષ ઉર્ફે ગલ્લોનો સમાવેશ થાય છે. પોલીસે હત્યામાં વપરાયેલું ચપ્પુ અને બે મોબાઇલ ફોન કબજે કર્યા છે.

ઘટનાના દિવસે નિલેશ વણઝારા સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા વણઝારા સમાજના ગરબા જોવા માટે બાઇક લઈને પહોંચ્યો હતો. તેણે પ્લોટની બહાર બાઇક પાર્ક કરીને બેઠો હતો, ત્યારે મોઢા પર માસ્ક પહેરેલા અજાણ્યા શખસે તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ નિલેશને તાત્કાલિક SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

હત્યાની ઘટના બાદ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં કલમ 103(1) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના 100થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન મુખ્ય આરોપી પુનમની ઓળખ થઈ હતી. તેનો મોબાઇલ ફોન બંધ આવતો હોવાથી શોધમાં મુશ્કેલી પડી હતી, પરંતુ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે તેને મહિસાગર જિલ્લાની હદમાં લુણાવાડા નજીકથી ઝડપી પાડ્યો હતો.

પૂછપરછ દરમિયાન આરોપી પુનમે કબૂલાત કરી હતી કે વિક્રમ વણઝારા તેને આર્થિક મદદ કરતો હતો. નિલેશની હત્યા કરવા બદલ વિક્રમે તેને 30 લાખ રૂપિયા અને બે મકાન આપવાની લાલચ આપી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. આ પછી નિલેશની અવરજવર પર નજર રાખવામાં આવતી હતી અને તેને ગરબા જોવા જતો હોવાની જાણ થતાં તેને નિશાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાના ત્રણ-ચાર દિવસ પહેલા પુનમ અને વિક્રમે જામ્બુવા બ્રિજ પાસેની એક હોટેલમાંથી બે ચપ્પાં ખરીદ્યા હતા. 18 ઓક્ટોબરે પુનમ, વિક્રમ, વિજયકુમાર અને સતિષે ભેગા મળીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. આ પ્લાન મુજબ વિજયકુમારને સ્વાગત પાર્ટી પ્લોટ ખાતે નિલેશની વોચ રાખવા માટે બેસાડવામાં આવ્યો હતો. નિલેશ પ્લોટ પાસે પહોંચ્યાની જાણ થતાં જ વિક્રમે પુનમને નંબર પ્લેટ વગરની બાઇક અને એક ચપ્પુ આપ્યું હતું, જ્યારે સતિષ ભાડાની રિક્ષા લઈને પુનમની પાછળ આવ્યો હતો. વિજયકુમારે નિલેશ તરફ ઇશારો કરીને પુનમને ઓળખ કરાવી હતી, ત્યારબાદ પુનમે ચપ્પુ વડે નિલેશ પર ત્રણથી ચાર ઘા માર્યા હતા. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.