વડોદરા શહેરના જાણીતા યુનાઈટેડ વે ગરબા મહોત્સવમાં નવરાત્રીના પ્રથમ નોરતે મોબાઈલ ચોરીના આક્ષેપોને કારણે વિવાદ સર્જાયો છે. ખેલૈયાઓએ પોતાના મોબાઈલ ચોરાઈ જવાની ફરિયાદ કરતાં ઉત્તેજના વધી હતી અને આયોજકો સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ વર્ષે યુનાઈટેડ વે દ્વારા ઇ-પાસની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ વ્યવસ્થાના કારણે ખેલૈયાઓએ પ્રવેશ માટે મોબાઈલ ફોન સાથે રાખવો ફરજિયાત બન્યો છે. પ્રથમ નોરતે જ કેટલાક ખેલૈયાઓએ તેમના મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદ કરી હતી.
ઘટનાને પગલે ખેલૈયાઓએ આયોજન અને સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. મોટી ફી ચૂકવ્યા બાદ પણ સુરક્ષાને લઈને આ સમસ્યા ઉભી થતાં ખેલૈયાઓમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આયોજકો તરફથી પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. આ ઘટનાએ યુનાઈટેડ વેના આયોજન અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.