વડોદરા: નવરાત્રિ પહેલા જ વડોદરા ગરબાના રંગે રંગાઈ ગયું છે. યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે ગઈકાલે રાત્રે (7 ઓક્ટોબર) 46,818 ખેલૈયાઓએ એક સાથે ગરબે ઘૂમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
આ પ્રસંગે જાણીતા ગાયક અતુલ પુરોહિતે 'આવી નવ નવ રાત્રિ રે...' ગીત ગાયું, જેના સૂર સાથે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા. આ ઉપરાંત 4 થીમ પર 3 હજાર વિદ્યાર્થીઓએ વિશાળ કાપડના ગોળ પોસ્ટર પકડીને ગરબે ઘૂમીને થીમ આધારિત પ્રસ્તુતિ કરી હતી. આ થીમમાં વડનું વૃક્ષ, સ્વચ્છતા સંકલ્પ, નારી શક્તિ અને વિકસિત ભારતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. થીમ આધારિત ગરબાનો ડ્રોનથી અદભૂત નજારો સર્જાયો હતો.
વડોદરાની ઓળખ સાથે જોડાયેલા વડના વૃક્ષને કેન્દ્રમાં રાખીને ખાસ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સાથે જ સ્વચ્છ વડોદરાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. નાગરિકોએ શહેરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો અને સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. નવરાત્રિ એટલે શક્તિની આરાધના, તેથી મા શક્તિ સાથે વડોદરાની નારી શક્તિનો મહિમા રજૂ કરતી પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સાથે જ આવનારા વર્ષોમાં વિકસિત વડોદરા, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પણ કાર્યક્રમની થીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, 'વિકસિત વડોદરા, વિકસિત ભારત' સંકલ્પ અભિયાન અંતર્ગત અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. યુનાઇટેડ વેનું ગરબા ગ્રાઉન્ડ દુનિયાનું સૌથી મોટું ગરબા ગ્રાઉન્ડ છે. 30 હજાર લોકોનો રેકોર્ડ થઈ ચૂક્યો છે. આ સાથે સ્વચ્છ ભારત અભિયાન, નારી શક્તિ અને કલાનગરી અને હેરિટેજની ઓળખને જાળવી રાખવાના સંકલ્પ પણ લેવામાં આવી રહ્યા છે. વડોદરાવાસીઓના પ્રેમ અને યુવાનોના ઉત્સાહથી 'વિકસિત ભારત'નો સંકલ્પ ચોક્કસ સાકાર થશે.
ગિનિસ એડજજ્યુડિકેટરે જણાવ્યું હતું કે, હું અહીં સૌથી મોટા ગરબાના રેકોર્ડ પ્રયાસનું મૂલ્યાંકન કરવા આવ્યો છું. આ રેકોર્ડ માટે લઘુત્તમ ટાર્ગેટ 30 હજાર લોકોનો હતો. જોકે હજી અમારી પાસે અંતિમ આંકડો આવ્યો નથી, પરંતુ અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, 30 હજારનો આંકડો ઘણો મોટા તફાવતથી પાર થઈ ગયો છે. તેથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. હવે હું આ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરાના તમામ નાગરિકોને એનાયત કરું છું.
યુનાઈટેડ વે ઓફ બરોડાના ગાયક કલાકાર અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા અને યુનાઇટેડ વે ઓફ વડોદરાના સંયુક્ત પ્રયાસથી 'વિકસિત ભારત' સંકલ્પ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા ગુજરાતની ઓળખ સમાન વડોદરાના આ અમૂલ્ય અને સાંસ્કૃતિક ગરબા વર્લ્ડ હેરિટેજની યાદીમાં પણ સ્થાન પામ્યા છે. આ ગરબા ઇવેન્ટ ભવ્ય બની છે તે બદલ મને ખૂબ ખુશી છે. આ બદલ આપ સૌનો અને દિવ્ય ભાસ્કરનો ખૂબ ખૂબ આભાર.
ખેલૈયા અનિલ લેખરાજાનીએ જણાવ્યું હતું કે, આ 9 દિવસના તહેવાર માટે અમે આખું વર્ષ રાહ જોઈએ છીએ. કામ-ધંધા અને દિનચર્યાના કંટાળામાંથી 9 દિવસ માટે અહીં આવીને માનસિક રીતે રિલેક્સ થઈ જવાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરેન્દ્ર મોદીજીના 25 વર્ષના સેવાકાળની ઉજવણી અને વિકસિત ભારતનો સંદેશ આપવા આ સુંદર આયોજન કરાયું છે. માતાજી સૌને શક્તિ આપે એવી પ્રાર્થના છે. અંબાલાલ કાકાની વરસાદની આગાહી ગમે તે હોય, પણ જેમની પર મા અંબાના આશીર્વાદ હોય તેમને વરસાદ નડતો નથી. અમે આ જ એનર્જી સાથે ગરબા રમીશું.